Vadodara : પતંગની દોરીથી યુવકના મોત બાદ તંત્ર જાગ્યું, પાદરામાં ચાઈનીઝ દોરી વેચતા લોકો સામે પોલીસની કાર્યવાહી

| Edited By: | Updated on: Jan 03, 2023 | 3:12 PM

વડોદરાના (Vadodara) પાદરામાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર સામે પોલીસે તવાઈ બોલાવી છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી પતંગના સ્ટોલ અને દોરીની દુકાનોમાં ચેકિંગ કર્યું હતું.

ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધીત અને જીવલેણ ચાઈનીઝ દોરી લોકોનો જીવ લઇ રહી છે. ત્યારે વડોદરામાં પતંગની દોરીથી યુવકના મોત બાદ પોલીસનું તંત્ર જાગ્યું છે. પાદરામાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર સામે પોલીસે તવાઈ બોલાવી છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી પતંગના સ્ટોલ અને દોરીની દુકાનોમાં ચેકિંગ કર્યું હતું. વડોદરા શહેરના ફૂલબાગ જકાતનાકા, નવા-જૂના એસટી ડેપો અને ગોવિંદપુરા સહિતના મુખ્ય બજારોમાં પોલીસે તપાસ હાથ ધરી હતી અને વેપારીઓને ચાઈનીઝ દોરીનું વેચાણ નહિ કરવા કડક સૂચના આપી હતી. જો કે ઉત્તરાયણ સુધી શહેરની તમામ જગ્યાઓ પર ચેકિંગ કરવા માટે પોલીસની ટીમને ગોઠવવામાં આવશે.

30 વર્ષના યુવકનું દોરીથી થયુ હતુ મોત

ગઇકાલે વડોદરાના નવાપુરા વિસ્તારના રબારી વાસ પાસેથી પસાર થતા 30 વર્ષીય બાઈક ચાલકના ગળામાં ચાઈનિઝ દોરી ફસાઈ હતી. દુર્ઘટના એટલી કરૂણ હતી કે બાઈકચાલક યુવાનના ગળાની તમામ નસો કપાઈ જતા પુષ્કળ પ્રમાણમાં લોહી વહ્યું હતું. યુવકને લોહીલુહાણ હાલતમાં સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા બાદ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

મૃતક યુવક બાથમ હોકી પ્લેયર હતો

મહત્વનું છે કે, મૃતક રાહુલ બાથમ હોકી પ્લેયર હતો અને દંતેશ્વર વિસ્તારમાં રહેતો હતો. નવા વર્ષના પ્રથમ દિવસે જ યુવાનના કરૂણ મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી. સાથે જ મૃતકના પિતાએ પોતાના દિકરા સાથે બનેલી ઘટનાનું કોઈ અન્ય સાથે પુનરાવર્તન ન થાય તે માટે લોકોને ચાઈનિઝ દોરીનો ઉપયોગ બંધ કરવા અપીલ કરી હતી.