ગુજરાતમાં ચૂંટણી (Gujarat Elections) નજીક આવી રહી છે ત્યારે ભાજપ સરકાર દ્વારા વિકાસના કાર્યોના લોકાર્પણના કામોએ પણ તેજ રફતાર પકડી છે. ત્યારે અમદાવાદનું (Ahmedabad) નવુ નજરાણુ લોકો સમક્ષ ખુલ્લુ મુકાશે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટની (Sabarmati Riverfront) શાન વધારતો આંતરરાષ્ટ્રીય કક્ષાનો ફૂટ ઓવરબ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 300 મીટરની લંબાઈ ધરાવતા ફૂટ ઓવરબ્રિજનું આગામી મહિને લોકાર્પણ કરી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રિવરફ્રન્ટ બોર્ડે વડાપ્રધાન કાર્યાલયને આમંત્રણ આપ્યું છે. વડાપ્રધાન સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ફૂટ ઓવરબ્રિજનું ઉદઘાટન કરે તેવી શક્યતા છે. આ બ્રિજ 75 કરોડ રૂપિયાના ખર્ચે અંદાજે ત્રણ વર્ષમાં બનીને તૈયાર થયો છે.
અમદાવાદ શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીના બંને કાંઠે મ્યુનિ. સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ભવ્ય રિવરફ્રન્ટ બનાવાયો છે. આ રિવરફ્રન્ટની નયનરમ્યતામાં વૃદ્ધિ કરવા તંત્રએ નદીના પશ્ચિમ કાંઠાને પૂર્વ કાંઠા સાથે જોડતો આકર્ષક ફૂટ ઓવરબ્રિજ તૈયાર કર્યો છે. જેનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. આ બ્રિજ પર અમદાવાદ સહિત ગુજરાત અને વિશ્વમાંથી આવતા પર્યટકો ફરવાની મજા માણી શકશે.આ સુંદર ફૂટ ઓવરબ્રિજને અટલ બ્રિજ નામ આપવામાં આવ્યું છે.
અમદાવાદ રિવરફ્ન્ટની શાન સમાન ફૂટ ઓવરબ્રિજની ડિઝાઈન આકર્ષણનું કેન્દ્ર બની છે. 2100 મેટ્રિક ટન ઓવરબ્રિજની લંબાઈ 300 મીટર અને પહોળાઈ 100 મીટરની છે. આ ફૂટ ઓવરબ્રિજ પર RCCનું ફ્લોરિંગ અને સ્ટેનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગની વ્યવસ્થા કરાઈ છે. તો બ્રિજના છેડે પતંગ આકારના સ્કલ્પચર તૈયાર કરાયા છે. બ્રિજના વચ્ચેના ભાગમાં મુલાકાતીઓ બેસી શકે તેવી વ્યવસ્થા છે. આ બ્રિજ પર કલર ચેન્જ થઈ શકે એવી ડાઈનેમિક એલઈડી લાઈટ ગોઠવાઈ છે. મુલાકાતીઓ સરળતાથી આવ-જા કરી શકે તે માટે બંને છેડે મલ્ટિલેવલ કાર પાર્કિંગની વ્યવસ્થા રખાઈ છે. સાબરમતી નદીના પૂર્વ અને પશ્ચિમ કિનારાને જોડતા બ્રિજનો એરિયલ વ્યૂ જાયન્ટ ફિશ જેવો લાગે છે. આ બ્રિજ પર આર્ટકલ્ચર ગેલેરી પણ ઉભી કરાશે.
(વીથ ઇનપુટ-સચિન પાટીલ, અમદાવાદ)