અમદાવાદમાં જમાલપુરમાં કાચની મસ્જિદ પાસે પાણી ભરેલા ભુવામાં ખાબક્યો રાહદારી- જુઓ Video
Ahmedabad: સ્માર્ટ સિટી અમદાવાદના રસ્તા કેટલા સલામત છે તે અહીં વીડિયોમાં જોઈ શકાય છે. જમાલપુરમાં કાચની મસ્જિદ પાસે પાણી ભરેલા ભુવામાં એક માણસ ચાલતા ચાલતા ગરકાવ થઈ ગયો. તંત્ર દ્નારા ભુવા ફરતે કોઈ બેરકેડિંગ ન કરાયુ હોવાથી પાણી ભરેલા રસ્તા પર કોઈને પણ ખબર ન પડે કે અહીં ભુવો હશે. ત્યારે તંત્રની નીંભર નીતિનો ભોગ નાગરિકો બની રહ્યા છે.
વાહનચાલક હોય કે રાહદારી, ચોમાસામાં અમદાવાદના રસ્તા સલામત નથી. તેનો બોલતો પુરાવો અમદાવાદના જમાલપુર વિસ્તારથી સામે આવ્યો છે. જમાલપુરમાં કાચની મસ્જિદ પાસે એક રાહદારી ભુવામાં ગરકાવ થઈ ગયો. 7 જુલાઈએ ઘટેલી ઘટનાના CCTV ફૂટેજ હવે સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે રાહદારી કેવી રીતે ભુવામાં પડી જાય છે. ભૂવાનું સમારકામની પ્રક્રિયા ચાલી રહી હતી. પરંતુ વરસાદ પડતાં કામ બંધ હતું.
પાણી ભરેલા ભુવામાં ખાબક્યો રાહદારી
ભુવામાં વરસાદનું પાણી ભરાઈ ગયું હતું. આ દરમિયાન એક રાહદારી ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. વરસાદનું પાણી ભરાયેલું હોવાથી તેને ભુવો દેખાયો નહીં અને તે સીધો જ અંદર ગરકાવ થઈ ગયો. સદનસીબે તેને તરતાં આવડતું હોવાથી બચી ગયો. તેને બૂમાબૂમ કરતાં અન્ય લોકો પણ ત્યાં દોડી ગયા હતા અને તેને ભુવામાંથી બહાર નીકળવામાં મદદ કરી હતી. સમગ્ર ઘટનામાં કોર્પોરેશનની બેદરકારી ઉડીને આંખે વળગે તેવી છે.
સમારકામ ચાલતું હોવા છતાં ભુવાની આસપાસ બેરિકેડિંગ કરવામાં નહોતું આવ્યું. જો બેરીકેડિંગ કરાયું હોત તો રાહદારી અન્ય સ્થળેથી પસાર થયો હતો અને આ ઘટના ટળી શકી હોત. સદનસીબે રાહદારીને કંઈ થયું નથી. જો તેને અન્ય કોઈને કશું થયું હોત તો તેના માટે જવાબદાર કોણ તે મોટો પ્રશ્ન છે.