Patan: લમ્પીથી ટપોટપ મરી રહેલા પશુઓને બચાવવા પશુપાલકોએ શરૂ કર્યો પરંપરાગત ઉપચાર, જાણો કેવી રીતે કરે છે સારવાર

|

Aug 01, 2022 | 12:56 PM

જીવદયા પ્રેમીઓએ પશુઓને લમ્પીની લપેટમાં આવતા અટકાવવા માટે પરંપરાગત ઉપચાર (traditional therapy) શરુ કર્યો છે. જીવદયાપ્રેમીઓ દ્વારા ગૌવંશને લમ્પી વાયરસ સામે સ્વરક્ષણ માટે ઔષધિ લાડુ બનાવીને લમ્પીગ્રસ્ત પશુઓને ખવડાવી રહ્યા છે.

પાટણ (Patan) જિલ્લામાં પણ પશુઓમાં લમ્પી વાયરસનુ જોખમ શરુ થઇ ગયું છે. સમી તાલુકાના દાદકા ગામમાં લમ્પી વાયરસથી (Lumpy virus) પશુનું પ્રથમ મોત નોંધાયુ છે. જે બાદ જીલ્લા પશુપાલન વિભાગ પણ દોડતું થઇ ગયું છે. ખાસ કરીને પાટણ જિલ્લાના સાંતલપુર, વારાહી, રાઘનપુર અને સમી તાલુકામાં પશુઓ પર લમ્પી રોગની અસર જોવા મળી છે. ત્યારે સાંતલપુરમાં જીવદયા પ્રેમીઓએ પશુઓને લમ્પીની લપેટમાં આવતા અટકાવવા માટે પરંપરાગત ઉપચાર (traditional therapy) શરુ કર્યો છે. જીવદયાપ્રેમીઓ દ્વારા ગૌવંશને લમ્પી વાયરસ સામે સ્વરક્ષણ માટે ઔષધિ લાડુ બનાવીને લમ્પીગ્રસ્ત પશુઓને ખવડાવી રહ્યા છે.

પશુઓને બચાવવા આયુર્વેદિક પદ્ધતિથી સારવાર

પાટણના પશુ પ્રેમીઓએ લમ્પી સંક્રમિત પશુઓને બચાવવા જાતે જ આયુર્વૈદિક પદ્ધતિથી સારવાર શરૂ કરી છે. ગૌ-રક્ષકોએ પશુઓ માટે હળદર, ગોળ, તજ, લવિંગ, લોટ મિશ્રિત ઔષધિય લાડુ તૈયાર કર્યો છે. જે દિવસમાં એકવાર પશુઓને ખવડાવે છે. ગૌ-પ્રેમીઓનો દાવો છે કે ઔષધિય લાડુ ખાવાથી પશુઓની રોગ પ્રતિકારક શક્તિ વધી છે અને લમ્પી સંક્રમિત પશુ 3-4 દિવસમાં સ્વસ્થ થાય છે. આ ઉપરાંત ચેપગ્રસ્ત પશુઓ પર ફટકડી અને લીમડાના રસાયણનો છંટકાવ કરવામાં આવે છે. પશુઓના વાડામાં મચ્છર, માખીનો ઉપદ્રવ અટકાવવા ગુગળનો ધુપ કરવામાં આવે છે. પાટણના જીવદયા પ્રેમીઓએ માત્ર સરકાર પર આશા રાખવાને બદલે જાતે જ આયુર્વૈદિક પદ્ધતિ અપનાવીને અમૂલ્ય પશુધનને બચાવવાની કવાયત હાથ ધરી છે.

લમ્પી સંક્રમિત પશુઓની બજારમાં રઝળપાટ

મહત્વનું છે કે, પાટણ જિલ્લાના સાંતલપુર, વારાહી, રાધનપરુ, સમીમાં પશુઓમાં લમ્પી સંક્રમણ ફેલાયું છે. સાંતલપુરમાં લમ્પી સંક્રમિત પશુઓ બજારમાં રઝળપાટ કરતા જોવા મળ્યાં. જેનાથી અન્ય પશુઓમાં પણ સંક્રમણ ફેલાવવાનું જોખમ ઉભું થયું છે. તો સમી તાલુકાના દાદકા ગામમાં લમ્પી વાઈરસથી પશનું મોત થયું. લમ્પી સંક્રમિત રખડતા પશુને રાખવાની વ્યવસ્થા અલગથી વહીવટી તંત્ર કરે તેવી ગૌ-રક્ષકોએ માગણી કરી છે. આ રખડતા પશુઓની સારવાર અને રસીને લઈ પશુપાલન વિભાગ એક્શનમાં આવ્યું છે.

(વીથ ઇનપુટ-સુનીલ પટેલ, પાટણ)

Published On - 12:26 pm, Mon, 1 August 22

Next Video