Gujarati Video : ગુજરાતમાં કમોસમી વરસાદનો માર રહેશે યથાવત્, હવામાન વિભાગે આ વિસ્તારોમાં માવઠુ થવાની કરી આગાહી

|

Mar 07, 2023 | 12:59 PM

Weather Update : હવામાન વિભાગના મતે ગુજરાતમાં આગામી 48 કલાક વરસાદનું જોર યથાવત્ રહે તેવી શક્યતા છે.

ગુજરાતમાં ફાગણમાં જોરદાર અષાઢી માહોલ જામ્યો છે. હવામાન વિભાગના મતે ગુજરાતમાં આગામી 48 કલાક વરસાદનું જોર યથાવત્ રહે તેવી શક્યતા છે. રાજસ્થાન પર સર્જાયેલા સર્ક્યુલેશનથી માવઠાનો માર રહેશે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ યથાવત રહેશે. અમરેલી, રાજકોટ, ભાવનગર, ગીર-સોમનાથમાં સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પગલે ઘઉઁ, કેરી, ચણા, ચીકુ, જીરૂ સહિતના પાકને નુકસાન થવાની આશંકા છે.

રાજ્યમાં અડધાથી એક ઇંચ સુધીનો વરસાદ

રાજ્યભરમાં 6 માર્ચ 2023 સવારે 6 કલાકથી 7 માર્ચ સવારે 6 કલાક સુધીમાં કુલ 103 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં અડધાથી એક ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે પવન સાથે વરસ્યો વરસાદ છે. રાજકોટના કોટડાસાંગાણી અને અમરેલીના બગસરામાં 1 ઈંચ વરસાદ, રાજકોટના લોધિકા, સુરેન્દ્રનગરના લખતર અને સાયલામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.

જગતના તાતને ભારે નુકસાન

રાજ્યમાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા કમોસમી વરસાદે જગતના તાતને ફરી પડ્યા પર પાટું માર્યું છે. માવઠાને કારણે અનેક શહેરોમાં ઉપજ પલળી જતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. ગાંધીનગરના કલોલના APMCમાં ઘઉં, બાજરી, એરંડા, રાઇ સહિતના પાકની બોરીઓ પલળી ગઇ છે.

બીજી તરફ બનાસકાંઠામાં પણ ખેતરમાં રહેલા રાજગરા અને બટાકાના પાકને પણ વરસાદને કારણે વિપુલ નુકસાન પહોંચ્યું છે. પરિણામે ખેડૂતોને મોંઘા ભાવના બિયારણ અને મજૂરી સહિતનો ખર્ચો માથે પડ્યો છે. તો અરવલ્લીમાં પણ મેઘરજના જીતપુર, ખાખરીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસેલા વરસાદને કારણે ઘઉં, મકાઇ, ચણા સહિતનો ઉભો પાક નાશ પામ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ સુરત સહિત અન્ય જિલ્લાઓમાં ઘઉંનો ઘણો પાક નષ્ટ થયો છે.

Published On - 11:46 am, Tue, 7 March 23

Next Video