હવામાન વિભાગની જે પ્રમાણે આગાહી હતી તે પ્રમાણે જ ગુજરાતમાં આજે સવારથી ઠેર ઠેર વાતાવરણમાં પલટો નોંધાયો છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ પંચમહાલ, મહિસાગર જિલ્લામાં માવઠું થયું છે. મહિસાગર જિલ્લાના સંતરામપુર ખાનપુર વિરપુર બાલાસિનોર લુણાવાડા કડાણા તેમજ જિલ્લાના અન્ય વિસ્તારોમાં વહેલી સવારે વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ વરસાદને પગલે જિલ્લામાં વાવેતર કરેલ ઘંઉ,બાજરી મકાઈ, ચણા, શાકભાજી,સહિત ઘાસચારામાં નુકસાનની ભિતી સેવાઈ રહી છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ સુરત, ડાંગ, નવસારી સહિતના જિલ્લાઓમાં માવઠાની પરિસ્થિતિ સર્જાઈ હતી. સુરતના હજીરા વિસ્તારમાં કમોસમી વરસાદ થયો હતો. તેમજ અરવલ્લી અને મોડાસામાં પણ માવઠું થયું હતું.
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી દાહોદ, અમદાવાદ, આણંદ, ગાંધીનગરમાં સામાન્ય વરસાદની સંભાવના છે. સાથે જ ભારે પવન ફૂંકાવાની શકયતાને પગલે દરિયાકાંઠાના જિલ્લાઓમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે. પવનોની ગતી ઉત્તર પૂર્વીય તરફ જોવા મળશે. પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. જોકે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન સામાન્ય રહેશે. તો 30 જાન્યુઆરી બાદ તાપમાન ફરી 10 ડિગ્રીથી નીચું જતા કડકડતી ઠંડી પડવાની શક્યતા છે.
માવઠાની આગાહી સાથે સાથે હવામાન વિભાગે માછીમારોને આગામી 24 કલાક દરમિયાન દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાક 40થી 50 કિલોમીટરની રહેશે. આગામી 24 કલાકમાં વરસાદ સાથે ઠંડીનો પણ અનુભવ થશે અને ઠંડીનો ચમકારો પણ યથાવત્ રહેશે.જોકે 28 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દરમિયાન કેટલાક જિલ્લામાં તાપમાન 8 ડિગ્રી જેટલું નીચું જઈ શકે છે. 29 જાન્યુઆરીથી ઠંડીમાં થશે વધારો થશે. આગામી 24 કલાકમાં સારાષ્ટ્રમાં રાજકો, પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે