Breaking News: પાલનપુર બાયપાસ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, 25 ગામના અન્નદાતાઓ આવ્યા મેદાનમાં – જુઓ Video
બનાસકાંઠાના પાલનપુરમાં સૂચિત બાયપાસ પ્રોજેક્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે. વગદા ગામે યોજાયેલી મહાબેઠકમાં 25 ગામોના ખેડૂતોએ પોતાની કિંમતી ખેતીની જમીન ગુમાવવાના ભયથી આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે સરકારને પ્રોજેક્ટ તાત્કાલિક સ્થગિત કરવા અપીલ કરી છે અન્યથા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
બનાસકાંઠામાં પાલનપુર બાયપાસ પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નવા બાયપાસ રોડના નિર્માણ સામે ખેડૂતો મેદાનમાં ઉતર્યા છે અને વગદા ગામે યોજાયેલી મહાબેઠકમાં પ્રોજેક્ટ અંગે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. પાલનપુર તાલુકાના આશરે 25 ગામોના ખેડૂતો, સરપંચો અને સ્થાનિક આગેવાનો એકત્ર થયા હતા.
ખેડૂતોને ચિંતા છે કે, જમીન સંપાદન પ્રક્રિયાને કારણે તેમની કિંમતી ખેતીની જમીન ગુમાવવી પડી શકે છે. ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતોની આજીવિકા પર તેની સીધી અસર પડશે, તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતોએ સવાલ ઉઠાવ્યો છે કે, આ વિસ્તારમાં મોટી ઇન્ડસ્ટ્રીઝ કે મોટો ટ્રાફિક ન હોવા છતાં કરોડોના ખર્ચે નવા બાયપાસની શું જરૂરિયાત છે?
બેઠક દરમિયાન ખેડૂતોએ સરકારને બાયપાસની કામગીરી તાત્કાલિક સ્થગિત કરવા અપીલ કરી હતી. સાથે જ ચીમકી આપવામાં આવી છે કે, જો પ્રોજેક્ટ પડતો નહીં મૂકવામાં આવે તો ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે. આ મુદ્દે હવે ખેડૂતો અને સરકાર વચ્ચે વિવાદ વકરવાની શક્યતા છે.
