Porbandar: પાકિસ્તાનની અવળચંડાઈ, ભારતીય જળ સીમા નજીકથી એક બોટ સહિત 7 માછીમારોનું અપહરણ
તુલસી મૈયા નામની બોટનું ભારતીય જળ સીમામાંથી અપહરણ કરાયું છે. બોટ વત્સલ પ્રેમજી થાપણિયાની માલિકીની હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર દેશમાં સૌથી મોટો 1600 કિલોમીટરનો દરિયાકિનારો (Sea Coast) ગુજરાત ધરાવે છે. જેથી રાજ્યનાં દરિયા કિનારા પર લાાખો લોકો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. માછીમારી કરવા માટે માછીમારો (Fishermen) હંમેશા ભારતીય સીમામાં છે તેટલા વિસ્તારમાં માછીમારી કરતા હોય છે. જો કે વારંવાર પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan) દ્વારા માછીમારોનું બિનકાયદેસર રીતે અપહરણ થતું હોય છે. આવો જ એક વધુ એક માછીમારના અપહરણનો કિસ્સો સામે આવ્યો છે. પોરબંદરની એક બોટ સહિત 7 માછીમારોનું અપહરણ થયુ છે.
ભારતીય જળ સીમા નજીક પાકિસ્તાને ફરી એકવાર આ અવળચંડાઈ કરી છે. પાકિસ્તાની કોસ્ટગાર્ડે ભારતીય જળ સીમા નજીકથી પોરબંદરની એક બોટ સહિત 7 માછીમારોનું અપહરણ કર્યું છે. તુલસી મૈયા નામની બોટનું ભારતીય જળ સીમામાંથી અપહરણ કરાયું છે. બોટ વત્સલ પ્રેમજી થાપણિયાની માલિકીની હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે તુલસી મૈયા નામની IND GJ 11 MM 1591 બોટ ઓખાથી માછીમારી કરવા માટે રવાના થઇ હતી. આ બોટમાં સાત ખલાસીઓ હતા. જો કે બોટનું એન્જિન દરિયામાં ખરાબ થઇ જતા બોટ મધદરિયે ફસાઇ હતી. તેવામાં 28 તારીખે પાકિસ્તાની એજન્સી દ્વારા 7 ખલાસી સાથે બોટનું અપહરણ કરી લેવાયું હતું.
આ બોટ માલિક માંગરોળનાં વત્સલ પ્રેમજીભાઇ થાપણીયા છે. જે ઓખા ખાતે માછીમારી કરવા માટે ગઇ હતી. બપોર સુધી બોટ માલિક સાથે સંપર્કમાં હતી. જો કે અચાનક તે સંપર્કવિહોણી થઇ હતી. તે અગાઉ પાકિસ્તાની એજન્સીઓની બોટ આવી રહી હોવાનું માછીમારોએ જણાવ્યું હતું. ત્યારબાદ સંપર્ક કપાઇ ગયા હતા. મધદરિયે ફસાયેલી બોટની મદદ કરવાનાં બદલે પાકિસ્તાને તેમનું અપહરણ કરી લીધુ છે.
આ પણ વાંચો- ડીંગુચાના લોકોને વિદેશ જવાની ઘેલછા, ગામની અડધા જેટલી વસતી વસે છે વિદેશમાં
આ પણ વાંચો- Rajkot: તલાટીની બદલી થતાં પડવલા ગામના લોકોમાં રોષ, સરપંચ સહિતના લોકોએ ગ્રામપંચાયતને તાળાબંધી કરી