Kheda: બોગસ ખેડૂત ખાતેદાર કૌભાંડ ! રાજ્ય મહેસૂલ વિભાગની તપાસમાં કૌભાંડનો થયો પર્દાફાશ
ખેતીની આવક ઈન્કમટેક્સમાંથી (Income Tax) મુક્ત હોવાથી ગેરકાયદેસર આવકને કાયદેસર કરવા બિલ્ડરો, ઉદ્યોગપતિઓ અને માલેતૂજારોએ સરકારી અધિકારીઓ સાથે મળીને મસ મોટું કૌભાંડ આચર્યું છે.
Kheda News: મહેસૂલ વિભાગમાં (Revenue Department) કેટલો અને કઈ હદનો ભ્રષ્ટાચાર ચાલે છે તેનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.ખેડા-માતરમાં(Kheda-Matar) હાથમાં પાવડો ન પકડયો હોય તેવા એક બે નહીં 500 જેટલા માલેતુજારો સરકારી ચોપડે ખેડૂતો (Farmers) બની બેઠા છે. આ લોકોએ ભ્રષ્ટ અધિકારીઓ સાથે મળીને સરકારની આંખમાં ધૂળ નાખી અત્યાર સુધી કરોડોનો ચૂનો ચોપડી દીધો છે. ખેતીની આવક ઈન્કમટેક્સમાંથી મુક્ત હોવાથી ગેરકાયદેસર આવકને કાયદેસર કરવા બિલ્ડરો, ઉદ્યોગપતિઓ અને માલેતૂજારોએ સરકારી અધિકારીઓ સાથે મળીને મસ મોટું કૌભાંડ આચર્યું છે.
500થી વધુ લોકો ખોટા દસ્તાવેજોના આધારે બોગસ ખેડૂત ખાતેદાર બની બેઠા
જો કે આ વાતનો અણસાર આવી જતાં મહેસૂલ વિભાગની ટીમે મેગા ઓપરેશન હાથ ધર્યું તો ચોંકી જવાય એવા ખુલાસાઓ થયા છે. ખેડાના માતર અને આસપાસના ગામડાઓમાં કુલ મળીને 500થી વધુ લોકો ખોટા દસ્તાવેજોના આધારે બોગસ ખેડૂત ખાતેદાર બની બેઠા છે. આ આખો મામલો ત્યારે સામે આવ્યો, જ્યારે મહેસૂલ વિભાગને એવી જાણ થઈ કે એક જ વિસ્તારમાંથી સામૂહિક ખેડૂતો ખાતેદાર બન્યા છે. મહેસૂલ વિભાગની ટીમે આ વિગતોને આધારે મામલતદાર કચેરીમાં દસ્તાવેજોની ચકાસણી હાથ ધરી એ સાથે જ આ બોગસ ખેડૂતો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
તંત્રના નિયમો તો ઘણા કડક જ છે, પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ કાયદાઓની છટકબારી શોધી ધનપતિઓને ખેડૂતો બનાવી રહ્યા છે. ખેડૂતોને ખાતેદાર બનાવવા માટે કલેક્ટર કચેરીના અધિકારીઓ ઉપરાંત મુખ્ય ભાગ તલાટી-મંત્રી ભજવતા હોય છે. ખેડૂત ખાતેદારની એન્ટ્રી પડાવવાની સત્તા સર્કલ ઓફિસર અને મામલતદારને આપવામાં આવે છે. પરંતુ માલેતુજારોની કઠપુતળી બનેલા ભ્રષ્ટ અધિકારીઓ જ આમાં સામેલ થઈ કરોડોનો ભ્રષ્ટાચાર આચરતા હોય છે. ત્યારે હવે બોગસ ખેડૂત ખાતેદાર બનનાર સામે હવે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.