Gujarat Assembly elections 2022: કોંગ્રેસના વૃક્ષમાંથી વધુ એક પાન ખરશે, જોશિયારા પરિવાર ભાજપ જોડાશે તેવી ચર્ચા

|

May 12, 2022 | 3:07 PM

કેવલ જોશિયારા (Keval Joshiyara) મેના બીજા સપ્તાહમાં ભિલોડામાં શક્તિ પ્રદર્શન કરી સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની (C.R. Patil) હાજરીમાં તે કેસરિયા કરવા જઇ રહ્યા છે.

કોંગ્રેસના (Congress) ગઢમાં એક પછી એક ગાબડા પડતા જઇ રહ્યા છે. વિધાનસભા ચૂંટણી (Assembly elections) પહેલા એક પછી એક કોંગ્રેસના મોટા નેતાઓ કોંગ્રેસનો સાથે છોડી રહ્યા છે. ત્યારે હવે ભિલોડાનો જોશિયારા પરિવાર કોંગ્રેસનો સાથ છોડી શકે છે. મળતી માહિતી પ્રમાણે અનિલ જોશીયારાનો (Anil Joshiyara) પુત્ર કેવલ જોશીયારા (Keval Joshiyara) ભાજપમાં જોડાશે. મેના બીજા સપ્તાહમાં ભિલોડામાં મોટી જનસભા કરી તે કેસરિયા કરશે.

માર્ચ 2022માં કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશિયારાનું કોરોનાને કારણે નિધન થયુ હતુ. જો કે તેમના નિધન પછી હવે તેમના પુત્ર કેવલ જોશિયારાએ પિતાનો જ માર્ગ એટલે કે કોંગ્રેસનો સાથ આપવાના બદલે ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે. કેવલ જોશિયારા મેના બીજા સપ્તાહમાં ભિલોડામાં શક્તિ પ્રદર્શન કરી સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની હાજરીમાં તે કેસરિયા કરવા જઇ રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા કેટલાય સમયથી જોશીયારા પરિવાર અને ભાજપ સંપર્કમાં હતા.

બીજી તરફ ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ અખાત્રીજના દિવસે કમલમમાં ભાજપનો ખેસ પહેરી શકે છે. આ માટે ખેડબ્રહ્મા અને સ્થાનિક જિલ્લાના આગેવાનોને કમલમમાં ઉપસ્થિત રહેવા માટે સુચના આપી દેવામાં આવી છે. તો આ પહેલા પણ કોંગ્રેસના ઘણા મોટા નેતાઓએ કોંગ્રેસને બાય બાય કહી દીધુ છે.

આ પહેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ પણ કોંગ્રેસને અલવિદા કહીને આપનો સાથ મેળવી લીધો છે. તો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારુ પણ ભાજપમાં જોડાઇ ગયા છે. તો કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર પણ ભાજપમાં જોડાઇ ગયા છે. તો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલાએ પણ કોંગ્રેસનો અલવિદા કહી ભાજપનો સાથ આપ્યો છે.

હાલ કોંગ્રેસનો માહોલ પાનખર ઋતુ જેવો બન્યો છે. એક એક કરીને ગઢના કાંગરા ખરી રહ્યાં છે. આ પક્ષપલટો લાંબો ચાલ્યો હતો ચુંટણી પહેલા જ કોંગ્રેસના સૂંપડા સાફ થઈ જશે.

Published On - 11:46 am, Mon, 2 May 22

Next Video