એર ઈન્ડિયાના વાંકે ગુજરાતના અંદાજે 10 હજાર NRI સલવાઈ ગયા છે. એર ઈન્ડિયામાં ટેકનિકલ ખામી અને સ્ટાફની અછતને પગલે અમેરિકાની ફ્લાઈટો રદ થઈ છે. અમદાવાદથી વાયા નેવાર્ક અને શિકાગોની અનેક ફ્લાઈટ રદ કરવામાં આવી. તો મુંબઈથી ન્યૂયોર્કની કનેક્ટિંગ ફ્લાઈટ પણ રદ થતા NRI હેરાન થઈ ગયા છે. એર ઈન્ડિયા દ્વારા બુકિંગના 7થી લઈને 15 દિવસ બાદ મુસાફરોને બીજા શહેરની ફ્લાઈટમાં ટ્રાન્સફર કરાતા રોષ ફેલાયો છે.
વેપાર, ધંધા કે નોકરીમાં રજા મૂકીને લગ્ન પ્રસંગે આવેલા NRI પરિવારો ચિંતાતુર છે. ઉત્તર ગુજરાત, ખેડા અને આણંદના સંખ્યાબંધ NRI ડિસેમ્બરમાં લગ્ન પ્રસંગ કે વેકેશનમાં મજા માણવા આવ્યા બાદ સલવાઈ ગયા છે. એર ઈન્ડિયા ઓફિસ સ્ટાફને વિઝા ન મળતા સમસ્યા સર્જાઈ હોવાનું કારણ રજૂ કરે છે. જોકે એર ઈન્ડિયાને જાણ હતી તો મુસાફરોના બે-ત્રણ મહિના પહેલાથી બુકિંગ કેમ કર્યા તેવો સવાલ મુસાફરો કરી રહ્યાં છે.
એર ઈન્ડિયાએ મેનેજમેન્ટમાં સુધારો કરીને લોકોને હાલાકી ઓછા થાય તેવા પ્રયાસ કરવા જોઈએ. એર ઈન્ડિયાના કારણે મુસાફરો અને ટ્રાવેલ્સ સંચાલકોનો સમય બગડી રહ્યો છે. NRI ફસાતા એર ઈન્ડિયાની છબિ ખરાબ થઈ છે. જેના પરિણામે એર ઈન્ડિયાનો બિઝનેસ વિદેશી એરલાઈન્સને મળી રહ્યો છે.