ગાંધીનગરમાં પૂર્વ ધારાસભ્યોને સરકારી આવાસ ખાલી કરવા નોટિસ પર નોટિસ આપવામાં આવી રહી છે. તેમ છતાં સદસ્ય નિવાસમાંથી હજુ મકાનો ખાલી ન કરતાં બજેટ સત્ર દરમિયાન ચાલુ ધારાસભ્યોને અન્ય સ્થળે મકાન શોધવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. નિયમ અને પ્રોટોકોલ પ્રમાણે પૂર્વ ધારાસભ્યોએ સામેથી જ આવાસ ખાલી કરી દેવાના હોય છે. જો કે ઘણા પૂર્વ ધારાસભ્યોએ હજુ સુધી સરકારી આવાસો ખાલી કર્યા નથી. ત્યારે હવે પૂર્વ ધારાસભ્યો ને મકાન ખાલી કરવા નોટિસ અપાઈ છે.
17 થી વધુ ધારાસભ્યો એવા છે કે જેમણે પોતાનો આવાસ ખાલી નથી કર્યો. કેટલાક ધારાસભ્યો તો એવા છે કે જેમણે ચૂંટણી જ લડી નથી. છોટા ઉદેપુરથી મોહનસિંહ રાઠવા ચૂંટણી પહેલા પક્ષ પલટો પણ કરી ચુક્યા હતા. તેઓ ભાજપમાં પણ જોડાઇ ચુક્યા છે. સુમનબેન ચૌહાણ હોય કે સંતોકબેનની વાત કરવામાં આવે કે પછી સુરેશ પટેલની વાત કરવામાં આવે તો તેમણે પણ આવાસ ખાલી નથી કર્યા.
પૂર્વ ધારાસભ્યોને સરકારી આવાસ ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે અને 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે. 10 દિવસની અંદર તમામ પૂર્વ ધારાસભ્યોએ આવાસની ચાવી સુપરત કરવાની રહેશે. જેની સમગ્ર દેખરેખ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાખવામાં આવશે. વિધાનસભાની સદસ્ય સમીતિ દ્વારા પણ આ અંગેની દેખરેખ રાખવામાં આવી રહી છે.
ખાસ કરીને પરસોત્તમ સોલંકીના કેસમાં એવી માહિતી મળી છે કે તેઓ વિધાનસભાની ચૂંટણી જીતી ચુક્યા છે અને તેમને મંત્રી પદ પણ મળ્યુ છે. તેમને મંત્રી આવાસ ફાળવી દીધો હોવા છતા પણ તેમણે સદસ્ય નિવાસ છોડ્યુ નથી. જેથી તેમને પણ નોટિસ આપવામાં આવી છે.
Published On - 2:03 pm, Sat, 4 February 23