શું ગુજરાતના આગામી CM કુંવરજી બાવળિયા બનશે? જાણો આ માગ અંગે કુંવરજીએ શું કરી સ્પષ્ટતા- Video

|

Jul 08, 2024 | 3:53 PM

કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવાની માગ કરતો પત્ર કોળી સમાજના આગેવાન ભૂપત ડાભીએ પીએમ મોદીને લખ્યો છે. આ પત્રમાં કહેવાયુ છે કે અમે ગુજરાતના 30 થી વધુ જિલ્લામાં સર્વે કર્યો છે અને કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવાશે તો ભાજપ વધુ મજબુત થશે. આ પત્ર અંગે કુંવરજીએ પણ સ્પષ્ટતા કરી છે.

ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવાની માગ કરતો પત્ર પીએમને લખવા મામલે હવે કુંવરજી બાવળિયાએ ખુદ સ્પષ્ટતા કરી છે. કુંવરજીએ જણાવ્યુ કે મને CM બનાવવાની વાત પાયાવિહોણી છે, મારી આવી કોઇ જ માગ નથી. કુંવરજીએ CM બનાવવાની માગને ફગાવતા સ્પષ્ટતા કરી કે, મારી આવી કોઇ માંગણી નથી, આ કોઇએ ઉભી કરેલી વાત છે. જે નિર્ણય કરવાનો છે તે હાઇકમાન્ડના હાથમાં છે. તેઓએ કહ્યું કે, કોઇ માંગણી કરે તો પણ એમ નિર્ણય નથી લેવાઇ જતા.મારા કોઈ હિતેચ્છુએ આ પ્રકારની વાત કરી હશે પરંતુ આવી કોઈ વાત છે જ નહીં,

કોળી સમાજના આગેવાન ભૂપત ડાભીએ PMને લખ્યો છે પત્ર

આપને જણાવી દઈએ કે એક સપ્તાહ પહેલા કોળી સમાજના આગેવાન ભૂપત ડાભીએ પીએમ મોદીને પત્ર લખ્યો હતો જેમા મુખ્યમંત્રી બદલવાની વાત સાથે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવાની પત્રમાં માગ કરી હતી.પત્રમાં દાવો કરાયો હતો કે રાજ્યમાં કોળી સમાજની 32 ટકા વસ્તી છે, જેથી CM તરીકે કુંવરજી બાવળિયાને પદ મળવું જોઇએ.

“કુંવરજીના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યા છે”

ભૂપત ડાભીએ પત્રમાં એવો પણ દાવો કર્યો છે કે કુંવરજીના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યા છે. ગુજરાતમાં 265 સરપંચ કોળી સમાજના છે. જિલ્લા અને તાલુકા પંચાયતમાં પણ કોળી સમાજના ચૂંટાયેલા સભ્યો વધુ છે. કુંવરજી જેવા નિષ્ઠાવાન વ્યક્તિ મુખ્યમંત્રી બને તો ભાજપ વધુ મજબૂત થાય. કુંવરજી જેવા ભણેલા ગણેલા અને નિષ્ઠાવાન કોઈ વ્યક્તિ છે જ નહીં. તેમણે વધુમાં જણાવ્યુ છે કે ગુજરાતના 30 થી વધુ જિલ્લામાં સર્વે કર્યો છે જેમા કુંવરજીને CM બનાવવાનું તારણ સામે આવ્યું બાદ પીએમને પત્ર લખ્યો છે.

Input Credit- Devang Bhojani- Gondal

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:30 pm, Mon, 8 July 24

Next Video