નવસારીમાં ભારતમાલા પ્રોજેકટના વિરોધનું બીડું હવે આદિવાસી મહિલાઓએ સંભાળ્યું, જુઓ વીડિયો
ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર દ્વારા ગામડાઓને શહેરો સાથે જોડવાની યોજના બનાવવામાં આવી છે. પરંતુ આ પ્રોજેકટમાં વિવાદો પીછો છોડતા નથી. નવસારી જિલ્લા આદિવાસી સમાજ દ્વારા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં રેલી કાઢી, સમગ્ર નવસારી જીલ્લામાં ભારત માલા પ્રોજેક્ટનો ફરી વિરોધનો વંટોળ શરૂ થયો છે. ગ્રામ્ય વિસ્તારમાંથી શરૂ થયેલા ભારતમાલા પ્રોજેક્ટના વિરોધનું વંટોળ પ્રબળ બની રહ્યો છે અને જેનું સુકાન મહિલાઓ સંભાળી રહી છે.
ભારત માલા પ્રોજેક્ટને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદો સપાટી પર આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતા આદિવાસી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. પોતાની મહામૂલી જમીન તથા જંગલ વિસ્તારમાંથી જમીન સંપાદિત થવાના કારણે આદિવાસીઓને મોટું નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે.
નવસારી જિલ્લા આદિવાસી સમાજ દ્વારા વાંસદા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત થઈ રહેલા અન્યાયને પગલે વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર જિલ્લાના આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કલેક્ટર કચેરીમાં પ્રવેશના મુદ્દાને લઈને ઉપસ્થિત મહિલા કર્મચારીઓને આદિવાસી મહિલાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
આ પણ વાંચો : નવસારીમાં ચીકુ પકવતા ખેડૂતોમાં ખુશી, રોજ 30 લાખથી વધુની થઈ રહી છે આવક, જુઓ વીડિયો
પોલીસે સમાધાન કરી ભૂમિકા ભજવતા વિવાદ થાળી પડ્યો હતો અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ભારતમાલા પ્રોજેક્ટ બાબતે થયેલા અન્યાય વ્યક્ત કર્યો છે. નવસારી જિલ્લાના અંતરિયાળ તાલુકો ગણાતા વાંસદામાંથી ભારત માલા પ્રોજેક્ટ પસાર થઈ રહ્યો છે જેને લઈને આદિવાસી સંગઠનો આંદોલનનો કરી વિરોધ નોંધાવી રહ્યા છે.
જેમાં પૈસા એક્ટનો અમલ થતો નથી અને આદિવાસી વિસ્તારના ખેડૂતોને મોટા પાયે નુકસાનની ભીતી વ્યક્ત કરી રહ્યા છે. તેવા સમયે ભારત માલા પ્રોજેક્ટને લઈને ફરીથી નવું આંદોલન શરૂ થયું છે જેનું સુકાન મહિલાઓ સંભાળી રહ્યા છે.
(ઈનપુટ ક્રેડિટ – નિલેશ ગામીત, નવસારી)