Breaking News: નવસારીમાં ભારે વરસાદને પગલે ‘રેડ એલર્ટ’… પૂર્ણા નદીનો પુલ ડૂબ્યો, 19 થી વધુ રસ્તાઓ બંધ થયા
નવસારીમાં ધોધમાર વરસાદ અને રેડ એલર્ટને કારણે સ્થિતિ ગંભીર બની છે. ઉપરવાસના ભારે વરસાદથી પૂર્ણા નદી ગાંડીતૂર થતાં શહેરના અનેક વિસ્તારો અને મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વહીવટીતંત્રે અધિકારીઓને એલર્ટ રહેવા આદેશ આપીને શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે, જ્યારે બીજી તરફ તંત્ર દ્વારા મોનિટરિંગ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

નવસારી શહેરમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. શહેરના લુન્સીકૂઈ, કબીલપોળ, પોલીસ લાઈન, ભેંસતખાના, રિંગ રોડ અને સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત દશેરા ટેકરી, જમાલપોર, ગ્રીડ, પ્રવેશદ્વાર અને પ્રજાપતિ આશ્રમ વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પ્રજાપતિ આશ્રમથી ચારપુલ તરફ જતો માર્ગ બંધ થઈ ગયો છે અને મુખ્ય માર્ગ પર બે ફૂટથી વધુ પાણી ભરાયા છે.
લોકોની સમસ્યામાં વધારો
શહેરમાં વરસાદી પાણી ભરાવાના કારણે લોકોની સમસ્યામાં વધારો થયો છે. પોલીસ લાઈન વિસ્તારમાં જવા માટેના મહત્વના સત્ય 60 દ્વાર માર્ગ પર પણ દોઢ ફૂટ જેટલા પાણી ભરાયેલા છે. વરસાદ બંધ થવા છતાં પણ પાણી ઓસરતું નથી. ડ્રેનેજની અયોગ્ય વ્યવસ્થાને કારણે ગત પાંચ વર્ષથી લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
વહીવટીતંત્ર એલર્ટ
વધુમાં નવસારીમાં રેડ એલર્ટને પગલે વહીવટીતંત્ર સાવધાન થઈ ગયું છે. જિલ્લા અને તાલુકા કક્ષાએ તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદના કારણે જિલ્લા તંત્ર એલર્ટ પર છે અને જિલ્લામાંથી પસાર થતી નદીઓની સ્થિતિ ઉપર પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. કોઈપણ વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે અને SDRFની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી
ભારે વરસાદના કારણે નવસારી-બારડોલી રોડ પર પણ પાણી ભરાયાં છે અને જિલ્લાના 19 રસ્તાઓ પાણી ભરાવાને કારણે બંધ થયા છે. તાલુકા અને જિલ્લા પંચાયતના ગરનાળાઓમાં પાણી ફરી વળ્યા છે. બસ આને પગલે જલાલપોર, ગણદેવી, ચીખલી અને ખેરગામની શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.
બીજી તરફ, ઉપરવાસમાં થયેલા વરસાદથી પૂર્ણા નદી ગાંડીતૂર થઈ છે. પૂર્ણા નદી પર આવેલ સૂપા કુરેલને જોડતો લો-લેવલ (Low Level) પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ પુલ પાણીમાં ડૂબી જતાં 10 જેટલા ગામડાંઓને અસર થઈ છે, જેના પગલે તંત્ર દ્વારા સૂપા કુરેલ માર્ગને બંધ કરવામાં આવ્યો છે.
