નવસારી પાલિકા દ્વારા અગમચેતીના પગલાં, પૂર્ણા નદીમાં ઘોડાપૂર થતાં ‘2 હજાર ફૂડ પેકેટ’ તૈયાર – જુઓ Video
નવસારી જિલ્લામાં મેઘરાજાના તાંડવથી પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓ બે કાંઠે વહેતાં બીલીમોરા અને ચીખલી શહેર જળમગ્ન બન્યા છે. 25 થી વધુ ગામોને એલર્ટ આપી સંપર્ક વિહોણા વિસ્તારો પર તંત્ર નજર રાખી રહ્યું છે, જ્યારે સાવચેતીના ભાગરૂપે પ્રભાવિતો માટે 2 હજારથી વધુ ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે.
નવસારીમાં મેઘરાજાએ બઘડાટી બોલાવતા પૂર્ણા નદીની સપાટીમાં વધારો નોંધાયો છે, જેને પગલે તંત્ર ત્વરિત એક્શનમાં આવ્યું છે. પૂર્ણા નદીના વધતા જળસ્તરને કારણે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા આયોજન કરીને રામજી મંદિર ખાતે ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને હાલ 2 હજારથી વધુ ફૂડ પેકેટ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
નવસારીની પૂર્ણા નદીની સપાટીમાં વધારો થતાં મહાનગરપાલિકા દ્વારા ફૂડ પેકેટ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. પૂર્ણા નદી રુદ્ર સ્વરૂપ ધારણ કરી શકે તેવી શક્યતાઓના પગલે તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે આ પગલાં ભરવાની શરૂઆત કરવામાં આવી છે. નોંધવા જેવું એ છે કે, નવસારીમાં અંબિકા અને કાવેરી નદીએ વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં બીલીમોરા તેમજ ચીખલી શહેર જળમગ્ન બન્યા છે.
કાવેરી નદીના પાણી ચીખલીના મહાદેવ રિવરફ્રન્ટ સુધી પહોંચી જતાં રિવરફ્રન્ટ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સ્થિતિની ગંભીરતાને જોતાં ચીખલી તાલુકાના 25 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. નદીના પાણી વધવાને કારણે ભાઠા ગામનું ઘોલ ફળિયું સંપર્ક વિહોણું બન્યું છે, જેના કારણે ઘોલ ફળિયાના અંદાજિત 200 થી વધુ ઘરોનો સંપર્ક કપાઈ ગયો છે.
