Narmada : ગુજરાતના ખેડૂતો (Farmers) સહિત તમામ નાગરિકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર ડેમની (Sardar Sarovar Dam) જળસપાટીમાં વધારો થયો છે. સાથે જ નર્મદા ડેમ 80 ટકાથી વધુ ભરાઇ ગયો છે. 24 કલાકમાં સરદાર સરોવર ડેમની સપાટીમાં 17 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. ડેમની જળસપાટી 130.45 મીટરે પહોંચી છે. તો સાથે જ ડેમમાં 71 હજાર 220 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.
ઉપરવાસ મધ્યપ્રદેશમાં વરસાદ પડવાના કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની સારી આવક થઇ રહી છે. જેના કારણે ડેમની જળ સપાટીમાં વધારો થઇ રહ્યો છે. મધ્યપ્રદેશના બર્ગી ડેમના 17 ગેટ અત્યારે 2.17 મીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે. તેમાંથી અત્યારે પાણી છોડવામાં આવી રહ્યુ છે. બરગી ડેમાં બાદ ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમ અને ત્યારબાદ સરદાર સરોવર ડેમમાં પાણી આવતુ હોય છે. એટલે કે સરદાર સરોવર ડેમમાં પાણી આવતા લગભગ 72 કલાક જેટલો સમય લાગતો હોય છે. ત્યારે હાલ તો નર્મદા ડેમમાં જળ સપાટી વધતા RBPHના 1200 મેગાવોટના 6 ટર્બાઇન ચાલુ કરી વીજનું ઉત્પાદન કરવામાં આવી રહ્યુ છે.