દિવાળીની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા માટે બન્યુ હોટ સ્પોટ, 3 દિવસમાં 3 લાખ લોકોએ લીધી મુલાકાત
વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. એકતા પ્રકાશ પર્વ અને ભારત પર્વ ઉપરાંત, નવા બનેલા રેઇન ફોરેસ્ટ અને સ્કાય ટાવર સહેલાણીઓની પહેલી પસંદ બન્યા છે. આકર્ષણોની ભરમારને કારણે નર્મદા જિલ્લામાં પ્રવાસનનો માહોલ બરાબર જામ્યો છે.
નર્મદામાં એક્તા નગર સ્થિત આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એક આકર્ષક ડ્રોન નજારો સામે આવ્યો છે. આ વર્ષે દિવાળીના વેકેશનમાં લાખો પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે. આપને જાણીને નવાઈ લાગશે કે આ વર્ષે માત્ર ત્રણ દિવસમાં ત્રણ લાખથી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ ચુક્યા છે. દેશ જ્યારે એક્તા પર્વની ઉજવણી કરી રહ્યો છે ત્યારે અહીં એક્તા ‘પ્રકાશ પર્વ’ અને ‘ભારત પર્વ’વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તેમજ અહીં રેન ફોરેસ્ટ પ્રોજેક્ટ પ્રવાસીઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ તેની મુલાકાત લઈ ચુક્યા છે.
અહીં આવેલા સ્કાય ટાવર પ્રવાસીઓની પહેલી પસંદ બન્યો છે. જ્યાંથી અહીંના કુદરતી મનોહર દૃશ્યોનો આનંદ માણી શકાય છે. દિવાળીના વેકેશનમાં રેઈન ફોરેસ્ટ પ્રવાસીઓ માટે એક નવુ અને લોકપ્રિય ડેસ્ટિનેશન બની ગયુ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવેલા વિવિધ આકર્ષણોને કારણે અહીં પ્રવાસીઓ વધ્યા છે અને દિવાળી વેકેશન માટે આ સ્થળ હોટસ્પોટ બન્યુ છે.
