
છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ મહારાષ્ટ્ર સુધી પહોંચીને ત્યાં જ અટકી ગયેલ નૈઋત્યનું ચોમાસુ, કેટલાક અનુકુળ વાતાવરણને પગલે, ગઈકાલ 22મી જૂનને સોમવારે આગળ વધ્યું હતું. જો કે, ચોમાસાને વધુ આગળ વધવા માટેના સાનુકુળ વાતાવરણને પગલે, નૈઋત્યનું ચોમાસુ, વધુ આગળ વધીને સમગ્ર મુંબઈને આવરી લઈને દક્ષિણ ગુજરાતના કાંઠા સુધી પહોંચી ગયું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, ચોમાસાને વધુ આગળ વધવા માટેનુ વાતાવરણ હજુ પણ બનેલ છે. જેના કારણે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણાબધા વિસ્તારોને બુધવાર કે ગુરુવાર સુધીમાં આવરી લેવાશે. ખાસ કરીને બુધવાર-ગુરુવાર સુધીમાં વલસાડ, તાપી, નવસારી જિલ્લાના કેટવાક વિસ્તારોને આવરી લેશે તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં ચોમાસાનો વિધિવત્ત પ્રારંભ થઈ શકે છે.
આજે, 23 જૂન 2026ના રોજ દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ પોતાની આગેકૂચ વધુ વિસ્તૃત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું હવે મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગો, મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો (મુંબઈ સહિત), તેલંગાણા અને ઓડિશાના બાકીના ભાગો સુધી પહોંચી ગયું છે. સાથે જ છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોમાં પણ ચોમાસાનો પ્રવેશ નોંધાયો છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે 23 જૂન સુધી ચોમાસાની ઉત્તરીય રેખા દમણ, વર્ધમાન, રાયપુર, વોલ્ટનગંજ અને મોતીહારી સુધી પહોંચી ગઈ છે. આ ચોમાસુરેખાની પ્રગતિ ચોમાસાની સામાન્ય ગતિ અનુસાર ગણવામાં આવી રહી છે. આગામી 2થી 3 દિવસમાં ગુજરાતના કેટલાક વિસ્તારો, મહારાષ્ટ્ર અને છત્તીસગઢના ભાગો તેમજ મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ચોમાસું વધુ આગળ વધવા માટે હવામાન પરિસ્થિતિઓ અનુકૂળ છે. ત્યારબાદ આગામી 3થી 4 દિવસ દરમિયાન ઝારખંડ અને બિહારના બાકીના વિસ્તારો તેમજ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં પણ ચોમાસાની અસર પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે, આ અઠવાડિયે દેશના પશ્ચિમ કિનારા, ઉત્તરપૂર્વ ભારત, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિ ભારે વરસાદ (7 થી 20 સેમી સુધી) પડવાની સંભાવના છે. સાથે જ એવી ચેતવણી પણ ઉચ્ચારવામં આવી છે કે આગામી 4 થી 5 દિવસ દરમિયાન પૂર્વી ઉત્તર પ્રદેશમાં અને આગામી 2 થી 3 દિવસ દરમિયાન વિદર્ભ, દક્ષિણપૂર્વ મધ્યપ્રદેશ અને બિહારમાં ગરમીનું મોજું યથાવત રહી શકે છે.