Monsoon Breaking : સુરતમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદથી જળબંબાકાર: રેલવે સ્ટેશનના વેટિંગ એરિયામાં ભરાયા પાણી, એમ્બ્યુલન્સ ફસાઈ

| Updated on: Jul 06, 2026 | 7:16 PM

સુરતમાં બપોર બાદ તૂટી પડેલા ધોધમાર વરસાદથી રેલવે સ્ટેશન, બમરોલી રોડ અને મહિધરપુરામાં કમર સુધી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું.

સુરત શહેરમાં બપોર બાદ શરૂ થયેલા ધોધમાર વરસાદે ગણતરીના કલાકોમાં સમગ્ર શહેરને પાણી-પાણી કરી દીધું છે. શહેરમાં માત્ર બે જ કલાકમાં આશરે ચાર ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતા નીચાણવાળા અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. ખાસ કરીને સુરત રેલવે સ્ટેશન પરિસરમાં વરસાદી પાણી ફરી વળતા મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રેલ્વે સ્ટેશનના વેઇટિંગ એરિયામાં ગોઠણ સુધી પાણી ભરાઈ જવાને કારણે મુસાફરો પોતાનો કિંમતી સામાન બચાવવા માટે દોડધામ કરતા નજરે પડ્યા હતા.

ખાંડ બજાર ગરનાળા અને મહિધરપુરામાં કમર સુધી પાણી ભરાયા

ભારે વરસાદના પગલે રેલ્વે સ્ટેશન પાસે આવેલા વરાછા ખાંડ બજાર ગરનાળામાં કમર સુધીના પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો હતો. આ ઉપરાંત, મહિધરપુરાના ગલે મંડી ચાર રસ્તા ખાતે અને મહિધરપુરાના અન્ય વિસ્તારોમાં પણ ઘૂંટણથી કમર સુધીના પાણી ભરાઈ ગયા હતા. ડભોલી વાળીનાથ ચોક પાસે પાણી ભરાવાને કારણે એક એમ્બ્યુલન્સ પણ અધવચ્ચે ફસાઈ ગઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે.

બમરોલી રોડ પર નદી જેવા દ્રશ્યો, સ્થાનિકોએ ગટરના ઢાંકણા ખોલ્યા

સુરતના કોમલ સર્કલ નજીક બમરોલી રોડ પર રસ્તાઓ પર જાણે નદીનો પ્રવાહ વહેતો થયો હોય તેવી ભયાવહ સ્થિતિ સર્જાઈ હતી. રસ્તા પર કમર સુધી પાણી પહોંચી જતાં અનેક વાહનો પાણીમાં બંધ થઈ ગયા હતા અને વાહનચાલકો અટવાયા હતા. રસ્તા પર પાણીનો ભરાવો એટલી હદે વધી ગયો હતો કે આખરે સ્થાનિક લોકોએ જાતે જ ગટરના ઢાંકણા ખોલીને પાણીનો નિકાલ કરવાની ફરજ પડી હતી. જો કે, હાલ વરસાદ બંધ થયા બાદ પાણી ઓસરવા લાગતા તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.

Breaking News: મુંબઈમાં આભ ફાટતાં ગુજરાત-મુંબઈ રેલવે વ્યવહાર ખોરવાયો, વંદે ભારત અને તેજસ સહિત અનેક ટ્રેનો અધવચ્ચે અટવાઈ

Follow Us