સમગ્ર રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી ચોમાસુ (Monsoon 2022) બરાબર જામ્યુ છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ (Rain) નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના થોડા વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગે (Department of Meteorology) આગામી ચાર દિવસ ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવાની હવામાન વિભાગે સૂચના આપી છે.
ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગનું માનીએ તો આગામી , 7, 8 અને 9 તારીખે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, તાપી સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જયારે સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે. તો ઉતર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, છોટાઉદેપુર, દાહોદમાં ભારે વરસાદની શકયતા છે. ભારેથી અતિભારે વરસાદની સાથે પવનની ગતિ તેજ રહેશે. આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની હવામાન વિભાગે સૂચના આપી છે.
દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા છે. તો અમદાવાદ શહેરમાં પણ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં NDRFની 9 ટીમ તહેનાત કરવામાં આવી છે. પોરબંદર જિલ્લા ખાતે SDRFની એક ટીમ પણ તહેનાત કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં એક NDRFની ટીમ ડીપ્લોય કરવા સૂચના અપાઇ છે. તો ગીરસોમનાથ, ભાવનગર અને રાજકોટ માટે NDRFની ટીમ માટે સૂચના અપાઇ છે. નવસારી, વલસાડ, સુરત અને બનાસકાંઠા માટે પણ NDRF તહેનાત રખાશે.
Published On - 9:53 am, Wed, 6 July 22