Modi Surname Defamation Case : મોદી સરનેમ મામલે રાહુલ ગાંધી રાહત માટે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) અરજી કરે તે પહેલા ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં કેવિએટ દાખલ કરી છે. પૂર્ણેશ મોદીએ કેવિએટમાં કહ્યું છે કે રાહુલ ગાંધી ગુજરાત હાઈકોર્ટના નિર્ણય વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી શકે છે. પરંતુ તેમનો પક્ષ સાંભળ્યા વિના સુપ્રીમ કોર્ટ એકતરફી ચુકાદો ન સંભળાવે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા સજા પર રોક લગાવવા કરાયેલી અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી હતી.
તમને જણાવીએ કે, કેવિએટ એક એવું આવેદન હોય છે જેમાં પ્રતિવાદી તરફથી એવી વિનંતી કરવામાં આવે છે કે તેમનો પક્ષ સાંભળ્યા વિના કોર્ટ કોઈ આદેશ ન કરે. કેવિએટ દાખલ થવાની સ્થિતિમાં અદાલત પ્રતિવાદીને નોટિસ જાહેર કરતી વખતે કોઈ બીજો આદેશ અરજદારના પક્ષમાં નથી આપતી.
મોદી અટક પર રાહુલ ગાંધીના નિવેદન બાદ માર્ચ 2023માં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષી ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની સજા ફટકારી હતી. જોકે, રાહુલ ગાંઘીને તરત જ જામીન મળી ગયા હતા. આ સજાની જાહેરાત બાદ લોકસભા સચિવાલયે નોટિસ જારી કરીને રાહુલ ગાંધીને સાંસદ પદેથી અયોગ્ય જાહેર કર્યા હતા.
સુરતની કોર્ટના આદેશ બાદ રાહુલ ગાંધીએ હાઈકોર્ટમાં દોષિત ગણવાના નિર્ણય પર રોક લગાવવાની માગ કરી હતી. જોકે, ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની આ પુનર્વિચાર અરજી પણ ફગાવી દીધી હતી. જ્યારે હવે રાહુલ ગાંઘી ગુજરાત હાઈકોર્ટના નિર્ણય વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરે તે પહેલા પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં કેવિએટ દાખલ કરી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 2:42 pm, Wed, 12 July 23