મહેસાણામાં પાલિકા કચેરીએ હલ્લાબોલ : સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સામે 20થી વધુ સોસાયટીના રહીશોએ માંડ્યો મોરચો
મહેસાણાના કમલપથ-દેદિયાસણ વિસ્તારના રહીશોએ રાધે એક્ઝોટિકા નજીક બની રહેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) નો ઉગ્ર વિરોધ કર્યો છે. પીવાનું પાણી દૂષિત થવાની અને 10 હજાર લોકોના આરોગ્ય જોખમાવાની ભીતિ સાથે રહીશોએ મેયરને આવેદનપત્ર આપી પ્લાન્ટ અન્ય સ્થળે ખસેડવા માંગ કરી છે.
મહેસાણાના કમલપથ-દેદિયાસણ વિસ્તારમાં બની રહેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) સામે સ્થાનિક રહીશોએ ભારે આક્રોશ સાથે મોરચો માંડ્યો છે. આસપાસની 20 જેટલી સોસાયટીઓના રહીશોએ એકઠા થઈને નગરપાલિકા કચેરી ખાતે ગર્જના કરી હતી અને હલ્લાબોલ મચાવ્યો હતો.
સ્થાનિકોની મુખ્ય માંગ છે કે રાધે એક્ઝોટિકા નજીક ચાલી રહેલું આ પ્લાન્ટનું કામ તાત્કાલિક ધોરણે સ્થગિત કરવામાં આવે. રહીશોના જણાવ્યા અનુસાર, જે જગ્યાએ પ્લાન્ટ બની રહ્યો છે તેની બિલકુલ નજીક પીવાના પાણીનો મુખ્ય સંપ આવેલો છે. જો અહીં ગંદા પાણીનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ થશે, તો ભવિષ્યમાં પીવાનું પાણી દૂષિત થવાની પૂરેપૂરી શક્યતા છે.
આ પ્લાન્ટના કારણે સમગ્ર વિસ્તારના આશરે 10 હજાર જેટલા લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ શકે છે. આ ગંભીર મુદ્દે સોસાયટીના પ્રતિનિધિઓએ મેયરને રૂબરૂ મળીને આવેદનપત્ર સોંપ્યું છે અને પ્લાન્ટને વસ્તીથી દૂર અન્ય કોઈ સ્થળે ખસેડવા ભારપૂર્વક રજૂઆત કરી છે. રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો તેઓ આગામી સમયમાં ઉગ્ર આંદોલન અને કાયદાકીય પગલાં ભરશે.
3.6 કરોડ વાહનચાલકો વાપરે છે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ, જાણો ફાયદા, નુકસાન અને સત્ય