સુરતમાં ભર ઉનાળે ભૂવો પડતાં કોર્પોરેશનની કામગીરીની પોલ ખુલી ગઈ છે. ઘટના સુરતના વરાછાના મીની બજાર વિસ્તારની છે. જ્યાં ભૂવો પડવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. હાલ કોર્પોરેશન તંત્રએ બેરિકેડ લગાવ્યા છે. રસ્તા વચ્ચે જ ભૂવો પડતાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે લોકોમાં એક જ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે ઉનાળામાં જ ભૂવા પડવા લાગ્યા છે તો આગામી ચોમાસામાં શું સ્થિતિ સર્જાશે.
સુરત મહાનગરપાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે. થોડા દિવસ પહેલા સુરતના રાંદેર વિસ્તારમાં રોડ બન્યાના થોડા જ કલાકોમાં ડામર પીગળી જવાની ઘટના બની હતી. જે પછી આજે સુરતના વરાછા મીની બજાર વિસ્તારમાં રોડ પર જ મસમોટો ભૂવો પડ્યો છે. લગભગ 10 ફૂટ જેટલો ઊંડો ભૂવો રસ્તા વચ્ચે પડી ગયો હતો. વરાછા મીની બજારમાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય છે. જો કે ભૂવો પડ્યા બાદ મહાનગરપાલિકાના શાસકોએ અહીં માત્ર બેરિકેટ લગાવીને સંતોષ માન્યો છે.
રોડ વચ્ચે જ ભૂવો પડવાને કારણે અને બેરિકેટ લગાવી દેવાના કારણે આ રસ્તો સાંકડો થયો છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ છે. જો કે બીજી તરફ વગર ચોમાસાએ સુરતમાં રોડ પર ભૂવો પડતા લોકોમાં પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે.
(વિથ ઇનપુટ-બળદેવ સુથાર, સુરત)
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…