Gujarati Video: TV9 સાથેની ખાસ વાતચીતમાં કાજલ હિંદુસ્તાનીનો હુંકાર, “લવ જેહાદ, લેન્ડ જેહાદ અને ધર્માન્તર વિરુદ્ધની લડાઈ ચાલુ રહેશે”
Jamnagar: હિંદુવાદી અને ફાયરબ્રાંડ નેતા કાજલ હિંદુસ્તાનીએ જેલમાંથી છુટ્યા બાદ Tv9 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યુ કે લવ જેહાદ, લેન્ડ જેહાદ અને ધર્માંતરણ વિરૂદ્ધ તેની આ લડાઈ ચાલુ રહેશે. આ દરમિયાન તેમણે સ્પષ્ટ કહ્યુ કે મે ક્યારેય ખોટું કર્યુ નથી, કે ખોટું ચલાવ્યું પણ નથી.
ઉનામાં રામનવમી દરમિયાન ઉશ્કેરણીજનક ભાષણના કેસમાં જુનાગઢ જેલમાંથી છુટ્યા બાદ હિંદુ ફાયરબ્રાન્ડ કાજલ હિંદુસ્તાની જામનગર પહોંચ્યા હતા. જ્યાં તેમના સમર્થકોએ ફટાકડા ફોડી અને ફુલહાર પહેરાવી તેમનુ સ્વાગત કર્યુ હતુ. Tv9 સાથે કરેલી EXCLUSIVE વાતચીતમાં કાજલ હિંદુસ્તાનીએ હુંકાર કર્યો કે લવ જેહાદ, લેન્ડ જેહાદ અને ધર્માંતરણ વિરૂદ્ધ તેની આ લડાઈ ચાલુ રહેશે. કાજલ હિંદુસ્તાનીએ સ્પષ્ટ કહ્યુ કે મે ક્યારેય ખોટું કર્યુ નથી, કે ખોટું ચલાવ્યું પણ નથી
“હું હિન્દુ સમાજ માટે જેલમાં ગઇ હતી”
Tv9 સાથેની વાતચીતમાં કાજલ હિંદુસ્તાનીએ જણાવ્યુ કે બાબાસાહેબના સંવિધાન પર મને ભરોસો છે એટલા માટે જ મેં આગોતરા જામીન લીધા ન હતા. ધર્માન્તરણ અને લવ જેહાદ મુદ્દે સમાજ જાગૃતિ અને જનજાગૃતિનું કામ ઉપાડ્યુ છે. હું લવ જેહાદ, લેન્ડ જેહાદ અંગેની મારી સેવાકીય પ્રવૃતિઓ ચાલુ રાખીશ. જનતા માટે અવાજ ઉઠાવ્યો છે. કોઈ વ્યક્તિગત એજન્ડાથી નહીં. હું હિન્દુ સમાજ માટે જેલમાં ગઇ હતી.
“બેટ દ્રારકામાં લેન્ડ જેહાદ જોવા મળ્યુ”
વધુમાં તેમણે જણાવ્યુ કે સમસ્ત હિંદુ સમાજ છેલ્લા ઘણા સમયથી સંઘર્ષ કરી રહ્યો છે. કઈ રીતે દ્વારકા અને બેટદ્વારકામાં મોટાપાયે ગેરકાયદે દબાણ કરવામાં આવ્યુ હતુ, તે સહુના ધ્યાનમાં જ છે. લવ જેહાદ વધી રહ્યા છે, બેટ દ્રારકામાં લેન્ડ જેહાદ જોવા મળ્યું છે. આથી જનતા જાગૃત થાય અને આવી સ્થિતિ ન બને તેના માટે અવાજ ઉઠાવ્યો હતો તેમ કાજલ હિંદુસ્તાનીએ જણાવ્યુ હતુ.
આ પણ વાંચો: ભડકાઉ નિવેદનોથી ચર્ચામાં રહેતા કાજલ હિન્દુસ્તાની કોણ છે, જાણો સમગ્ર વિગતો
જુનાગઢથી જામનગર પહોંચતા જ કાજલ હિંદુસ્તાનીના સમર્થકો ઉત્સાહમાં આવી ગયા હતા. જામકંડોરણા, કાલાવડ સહિતના ગામોમાં તેમનુ સ્વાગત કરાયુ હતુ. આ દરમિયાન તેમના સમર્થકોએ જય શ્રીરામના નારા લગાવ્યા હતા.
ઈનપુટ ક્રેડિટ- મોહિત ભટ્ટ
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…