મહેસાણાના ખેડૂત પરિવારની યુવતીએ મેળવી અનોખી સિદ્ધિ, 19 વર્ષની ઉંમરે બની કોમર્શિયલ પાયલટ
મહેસાણા જિલ્લાના એક ખેડૂત પરિવારની 19 વર્ષિય યુવતીએ કોમર્શિયલ પાયલટ બની છે. યુવતીએ અનોખી સિદ્ધી નાની વયે મેળવી છે. કડી તાલુકાના ખેડૂત પરિવારની આ યુવતીએ વિદેશમાં જઈને પાયલટની તાલિમ મેળવીને આ સિદ્ધી મેળવી છે. ખેડૂત પરિવારમાં અને તેમના નાનકડા ગામમાં ખુશીઓ વર્તાઈ રહી છે.
પાટીદાર સમાજની ખેડૂત પુત્રી માનસી પટેલે અનોખી સિદ્ધિ મેળવી છે. માનસી ગુજરાતની પ્રથમ 19 વર્ષિય યુવતી છે કે, જેણે કોમર્શિયલ પાયલટ બનવાની સિદ્ધિ મેળવી છે. માનસી પટેલ મહેસાણા જિલ્લાના કડી તાલુકાની છે. તે લક્ષ્મીપુરા ગામની વતની છે અને પરિવાર ખેતી સાથે જોડાયેલો છે. જોકે માનસીના સપનાને સાકાર કરવા માટે તેના માતા પિતા અને પરિવારે શક્ય તમામ પ્રયાસો દિવસ રાત એક કરીને કર્યા હતા. જેના ફળ સ્વરુપ માનસી હવે કોમર્શિયલ પાયલટ બનવામાં સફળ રહી છે.
માનસીએ પણ પાયલટ બનીને ઘરે આવી આ માટે આ સિદ્ધિ પાછળ પોતાના પરિવારને સંપૂર્ણ યશ આપ્યો હતો. માનસી ધોરણ 10 સુધી પોતાના ગામમાં રહીને જ સ્થાનિક શાળામાં અભ્યાસ કર્યો હતો. માનસીએ પાયલટ બનવા માટે દક્ષિણ આફ્રિકા પહોંચી હતી. જ્યાં તે કોમર્શિયલ પાયલટ બનવામાં સફળ રહી હતી. તેના પિતાએ આ માટે 40 લાખ રુપિયાની લોન મેળવી હતી અને દિકરીના સપનાને સાકાર કરવા પ્રયાસ કર્યો હતો.