Navsari: ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ સામે શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે કોઈ યોજના નહીં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ, જુઓ Video

| Edited By: | Updated on: Aug 07, 2023 | 5:08 PM

નવસારી શહેરમાં કુદરતી કાંસનું પુરાણ થવાને કારણે પાણી ભરાવાની પારાયણ સર્જાતી આવે છે. શહેરની ફરતે આવેલા ચાર ગામોનું પાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટને કારણે નવસારી શહેરમાં ડાયવર્ટ કરાયું છે. જેને લઇ ચોમાસા દરમિયાન 75% શહેર પાણીમાં ગરકાવ થાય છે.

કુદરતી કાંસ એ વરસાદી પાણીના નિકાલ માટેનો એકમાત્ર રસ્તો ગણી શકાય છે. પરંતુ નવસારી શહેરમાં થઈ રહેલા સતત વિકાસને કારણે આ કુદરતી કાંસો દટાઈ ગયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિકોનું માનવું છે કે કુદરતી કાંસો થકી વરસાદી પાણી નદીઓમાં વહી જતું હતું. પરંતું જ્યારથી નગરપાલિકા તરફથી કુદરતી કાંસો પર બોક્સ જેવા બાંધકામ કરવામાં આવ્યા છે, તેને કારણે પાણી જવાની ગતી ઘટી ગઈ છે અને તેને કારણે શહેરમાં વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા બને છે.

નવસારી શહેરની આસપાસ આવેલા ગામડાઓનું વરસાદી પાણી નવસારી શહેરમાંથી પસાર થાય છે. આ સિઝનમાં એક દિવસમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો ત્યારે શહેર જળતરબોળ થયું હતું. જો કુદરતી કાંસ ખુલ્લા હોત તો શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ન બની હોત તેવું પણ સ્થાનિકોનું માનવું છે.

આ પણ વાંચો : નવસારીના મોલધરા ગામમાં દીપડાના આતંકથી લોકોમાં ભય, પશુઓને બચાવવા લોકો કરે છે રાત ઉજાગરા

આ મુદ્દે પાલિકાના અધિકારીનું કહેવું છે કે કાંસ પર બનાવેલા બોક્સને કારણે પાણી અટક્યા હોવાની ફરિયાદો અને આક્ષેપો ખોટા છે. શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે એક દિવસ માટે પાણી ભરાયા હતા. પરંતુ તે બાદ પાણી ભરાવાની સમસ્યા ન નડી હોવાનું અધિકારીનું કહેવું છે.

(ઈન્પુટ ક્રેડિટ – નિલેશ ગામીત)

નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો