રાજકોટના સીમાડામાં દીપડાના ધામા, વન વિભાગે બહાર પાડી ગાઈડલાઈન, જુઓ વીડિયો
રાજકોટના વગુદડ પાસે દીપડાના પંજાના નિશાન મળ્યા હતા. તો વન વિભાગે આસપાસના તમામ વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું છે. પાંજરા ગોઠવ્યા પણ દીપડો ન ઝડપાયો. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે પણ દીપડાએ દેખા દીધી હતી.
રાજકોટના સીમાડામાં વિવિધ સ્થળે દીપડો જોવા મળ્યો છે. સૌથી પહેલાં રાજકોટના વગુદડ પાસે દીપડાના પંજાના નિશાન મળ્યા હતા. તો વન વિભાગે આસપાસના તમામ વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું છે. પાંજરા ગોઠવ્યા પણ દીપડો ન ઝડપાયો. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે પણ દીપડાએ દેખા દીધી હતી.
તો રવિવારે કણકોટના કૃષ્ણનગરમાં દીપડો દેખાયો હતો. પણ તે કઈ દિશામાં ગયો તેના સગડ મળ્યો ન હતો. રામનગરમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. મહત્વનો મુદ્દો એ છે કે વન વિભાગ સક્રિય થઈને કામગીરી પણ કરે છે. પરંતુ તેમ છતાં દીપડાને પાંજરે પૂરવામાં વન વિભાગને નિષ્ફળતા જ હાથ લાગી રહી છે.
દીપડાને ઝડપવા વન વિભાગનું પેટ્રોલિંગ!
રાજકોટ શહેરની સીમાડે આવેલા રામનગર નામના ગામમાં દીપડાએ દેખા દીધી છે. અહીં ગામની સીમમાં દીપડો જોવા મળ્યો હતો. ખેતરમાં મજૂરીકામ કરવા ગયેલા મજૂરો દીપડો જોતા જ ભયભીત થયા હતા. તાત્કાલિક વન વિભાગનને જાણ કરવામાં આવી હતી. વન વિભાગે આખી રાત પેટ્રોલિંગ કર્યું. પણ દીપડો કઈ દિશા તરફ ગયો તેના કોઈ જ જાણ થઈ ન હતી. જેને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
તો વારંવાર દીપડો દેખાવાથી વન વિભાગે ગાઈડલાઈન જાહેર કરી છે.અને લોકોને સાવધ રહેવા અપીલ કરી છે. રાત્રીના સમયે એકલા બહાર ન નીકળવુ. તેમજ રાત્રીના સમયે ખેતર વિસ્તારમાં ન જવા અપીલ કરી છે. તો નોન વેજ ખાઘા બાદ કચરો બહાર ખુલ્લામાં ન નાખવો જોઈએ. તો ખુલ્લા પટમાં રાત્રી દરમિયાન જવાનું ટાળવાની અપીલ કરી છે. તેમજ શંકાસ્પદ પ્રાણી દેખાય તો વન વિભાગનો સંપર્ક કરવાની અપીલ કરી છે.