Video : ભુજની પોલિટેકનિક કોલેજમાં પ્રાથમિક સુવિધાના અભાવ અને પ્રોફેસરોની ગેરવર્તણુકને લઈ વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો
Kutch: ભુજની પોલિટેકનિક કોલેજમાં પ્રાથમિક સુવિધાના અભાવ અને પ્રોફેસરોની ગેરવર્તણુક મુદ્દે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓએ પ્રાથમિક સમસ્યાનો ઉકેલ ન આવે તો ઉગ્ર લડત કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
ભુજની પોલિટેકનિક કોલેજમાં વિદ્યાર્થીઓએ પ્રાથમિક સુવિધા અને પ્રોફેસરની ગેરવર્તણૂક મુદ્દે હોબાળો મચાવ્યો. વાલી મીટિંગ સમયે જ NSUIના કાર્યકરો સાથે વિદ્યાર્થીઓએ હોબાળો શરૂ કર્યો. પીવાના સ્વચ્છ પાણી અને ટોઈલેટમાં સ્વચ્છતા સહિતના મુદ્દે વિદ્યાર્થીઓએ ચાલુ મીટિંગ અટકાવીને રજૂઆત કરી. આ સાથે જ પ્રોફેસર દ્વારા અપાતી ધમકી અને અયોગ્ય વર્તનને લઈ પણ વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓએ પ્રાથમિક સમસ્યાઓનો ઉકેલ ઝડપથી ન આવે તો ઉગ્ર લડતની ચીમકી ઉચ્ચારી છે.
સફાઈ અને પ્રોફેસરોની વર્તણુક મુદ્દે વિદ્યાર્થીઓમાં રોષ
છાત્રોએ કોલેજના જવાબદારો સામે આ પાણી કેમ પીવું ? એવા પ્રશ્નો ઉગ્ર સ્વરે ઉચ્ચારી નિરાકરણની માગ કરતું આવેદનપત્ર પણ આપ્યું હતું. જોકે બાદમાં કોલેજ પ્રશાસન તરફથી આ મામલે તાકીદે ઉકેલ લાવવાની ખાતરી અપાતા મામલો થાળે પડ્યો હતો. ત્યારે દેશના ભવિષ્ય ગણાતા કોલેજના વિદ્યાર્થીઓને કોલેજ ખાતે પાણી- સફાઈ જેવી બાબતે વિરોધ નોંધાવવો પડે તે દુઃખની વાત હોવાનું વાલીઓએ જણાવ્યું હતું. આ વિશે પોલીટેક્નિક કોલેજના આચાર્ય ડો. જી. વી લાખાણી સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે કોલેજ સંકુલ ખાતે આજે મળેલી પેરેન્ટ્સ મિટિંગ દરમિયાન સફાઈ અને પાણી મુદ્દે વિદ્યાર્થીઓએ આવેદનપત્ર આપી ધ્યાન દોર્યું હતું. જેના અનુસંધાને જિલ્લા વહીવટી તંત્ર સાથે પરામર્સ ચાલતું હોવાની ખાતરી આપી હતી અને આ મુદ્દે ઝડપી નિવારણ લાવવાની વાત કહી હતી
પોલિટેકનીક કોલેજના કેમ્પસમાં સફાઈ મુદ્દે વિદ્યાર્થીઓએ કરેલી રજૂઆતને પ્રિન્સિપાલે પણ આડકતરૂ સમર્થન આપ્યું. આ સાથે જ પ્રિન્સિપાલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી કે તમામ સમસ્યાઓનો ઉકેલ આવે તે માટેના પ્રયત્નો ચાલુ છે. તો પ્રોફેસરે મોબાઈલ મુદ્દે કરેલી ટકોર વિદ્યાર્થીઓના સારા માટે જ હોવાનું જણાવ્યું. વિદ્યાર્થીઓના તમામ પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવાની પણ પ્રિન્સિપાલે ખાતરી આપી.
