Salangpur temple controversy: વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાન મંદિરમાં નવી સ્થપાયેલી કિંગ ઓફ સાળંગપુર મૂર્તિની નીચેના ભીંત ચિત્રોએ નવો વિવાદ સર્જ્યો છે. આ ભીંત ચિત્રોમાં કષ્ટભંજન દેવને સ્વામિનારાયણ ભગવાનને વંદન કરતા દેખાડવામાં આવ્યા છે. તેને લઈ મોરારી બાપુનું પણ એક નિવેદન સામે આવ્યું છે. થોડા દિવસ અગાઉ મોરારી બાપુએ પોતાની કથા દરમિયાન સાળંગપુર હનુમાનજી મહારાજની મૂર્તિને લઈને સર્જાયેલા વિવાદ પર ટિપ્પણી કરી હતી. જેમાં તેઓએ મૌન ધારણ કરીને બેઠેલા લોકોને મૌન તોડવાની વાત કરી હતી. તો જ્યોર્તિનાથ મહારાજે કાર્યવાહીની માગ કરી છે.
તો સાળંગપુરમાં હનુમાનજીની મૂર્તિના વિવાદ વચ્ચે સંસ્થાના કલ્પવૃક્ષ સ્વામીનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓએ હનુમાનજીના વંદન મુદ્દે આપત્તિ દર્શાવનારાઓ સામે સવાલ કર્યો છે. કલ્પવૃક્ષ સ્વામીએ કહ્યું કે ભગવાન અને ભગવાનના માતા-પિતાના હનુમાનજી દર્શન કરે તેમાં ખોટું શું છે. તેઓએ જણાવ્યું કે સમગ્ર વિરોધ નિરર્થક છે.
આ ભીંત ચિત્રોમાં કષ્ટભંજન દેવને સ્વામિનારાયણ ભગવાનને વંદન કરતા દેખાડવામાં આવ્યા છે. સાળંગપુરમાં બનેલા આ પ્રકારના ભીંતચિત્રોથી ભારે વિરોધ થઈ રહ્યો છે. વિવાદ બાદ મંદિર પ્રશાસને પીળુ કપડુ ઢાંકી વિવાદનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે કે રાજ્યના સાધુ-સંતોએ આ ચિત્રોને સનાતન હિન્દુ ધર્મનું અપમાન ગણાવી તેની સામે કાર્યવાહીની માગ કરી છે. તો આજ મુદ્દે સિહોર પોલીસ મથકમાં અરજી પણ આપી દેવામાં આવી છે.
બીજી તરફ જૂનાગઢના ગોરક્ષનાથ આશ્રમનાં શેરનાથ બાપુએ પણ સાળંગપુરમાં વિવાદિત તસ્વીરને લઈને નિવેદન આપ્યું છે. આનાથી ભક્તોની આસ્થાને ઠેસ લાગી છે. વિવાદ ન વધે તેના માટે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. આવી અયોગ્ય ઘટનાની માફી માંગવી જોઈએ અને ફરી વાર ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. તો સાળંગપુરમાં વાયરલ તસ્વીરો મુદ્દે કચ્છના એકલધામના મહંત યોગી દેવનાથ બાપુએ પ્રતિક્રિયા આપી છે. યોગી દેવનાથ બાપુએ વિરોધ નોંધાવી અપમાન બદલ યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.
તો આ તરફ સરખેજ સ્થિત મહંત ભારતી આશ્રમના મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ પણ હનુમાનદાદાનું અપમાન થવા બદલ નારાજગી વ્યક્ત કરી છે. તો લીંબડી સ્થિત નીમ્બાર્ક પીઠના મહંત લલિત કિશોર બાપુએ પણ તાત્કાલીક આ ભીંતચિત્રો હટાવવાની માગ કરી છે. તો બરવાળાના લક્ષ્મણજી મંદિરના મહામંડલેશ્વર જગદેવદાસ બાપુએ પણ આ મુદ્દે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની નિંદા કરી છે.