Kheda: કઠલાલના પિઠાઈ મેળામાં પોલીસ જવાન પર હુમલો, લાઈનમાં ધક્કામુક્કી કરતા રોકતા પૂર્વ સરપંચના દીકરા અને તેના મિત્રોએ પોલીસને માર્યો માર
Kheda: કઠલાલના પિઠાઈ મેળામાં પૂર્વ સરપંચના દીકરાની દાદાગીરી સામે આવી છે. ચગડોળની લાઈનમાં ઉભેલો સરપંચનો પુત્ર અને તેના મિત્રો ધક્કામુક્કી કરતા હતા અને અપશબ્દો બોલતા હતા. જે બાબતે પોલીસે પૂર્વ સરપંચના દીકરાને ટકોર કરતા તે અને તેના મિત્રોએ પોલીસ જવાનને માર માર્યો હતો. જેમાં પોલીસ જવાનને માથાને ભાગે ગંભીર ઈજા પહોંચી છે.
ખેડા (Kheda) જિલ્લાના કઠલાલમાં પિઠાઈ મેળામાં પોલીસ જવાન પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. પિઠાઈ મેળામાં ચકડોળની લાઈનમાં ઉભેલા શખ્સો અપશબ્દો (Abuse) બોલી અવ્યવસ્થા સર્જતા હતા. આ દરમિયાન બંદોબસ્તમાં હાજર પોલીસ (Police) જવાને આ બેફામ શખ્સોને અપશબ્દો બોલવાની મનાઈ કરતા શખ્સો પોલીસ જવાન પર હુમલો કર્યો હતો. લાકડી અને લોખંડની એંગલથી કરેલા હુમલામાં પોલીસ જવાનને માથાના ભાગે ઇજા પહોંચી હતી. હાલ તો કઠલાલ પોલીસે 10થી 12 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પૂર્વ સરપંચના દીકરાએ પોલીસ પર કર્યો હુમલો
મેળામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બંદોબસ્તમાં રહેલા પોલીસ જવાનને જ હુમલાનો ભોગ બન્યો છે. કઠલાલના પીઠાઈ ખાતે પેઠેશ્વરી માતાના મેળામાં પૂર્વ સરપંચના દીકરા સહિતના લોકોએ પોલીસ પર હુમલો કર્યો છે. પૂર્વ સરપંચનો પુત્ર અને અન્ય યુવાન ચગડોળની લાઈનમાં ધક્કામુક્કી કરતા પોલીસે સરપંચના પુત્રને ટકોર કરી હતી. આ બાદ પૂર્વ સરપંચ સહિતના ટોળાએ બંદોબસ્તમાં રહેલા પોલીસકર્મીઓને માર માર્યો હતો. જેમાં એક વ્યક્તિએ બેફામ બનતા પોલીસકર્મીને લોખંડની એંગલ માથામાં ફટકારી હતી. જેમાં પોલીસકર્મીને 5 ટાંકા પણ આવ્યા છે.
આ સમગ્ર ઘટના સોમવારે સવારના સમયે બની હતી. જ્યાં ચકડોળની લાઈનમાં પૂર્વ સરપંચનો દીકરો ઋત્વિક અને અન્ય યુવાન ચકડોળવાળાને અપશબ્દો બોલતા હતા અને લાઈનમાં ધક્કામુક્કી કરતા હતા. આથી બંદોબસ્તમાં રહેલા પોલીસકર્મીએ તેમને અટકાવ્યા હતા. પરંતુ એ ન માનતા પોલીસે બંને યુવાનોને લાઈનમાંથી બહાર કાઢ્યા હતા, આથી બંનેએ પોલીસકર્મીને અપશબ્દો કહી તેના પર હુમલો કર્યો હતો. હાલ સમગ્ર ઘટનાને પગલે કઠલાલ પોલીસે પૂર્વ સરપંચ સહિત 10થી 12 લોકો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
