ધારાસભ્ય તરીકે શપથ લીધા બાદ બોલ્યા કાંતિ અમૃતિયા, હવે મોરબી જિલ્લો ક્લિન રહેશે, અધિકારીઓ દોડીને કામ કરશે

| Edited By: | Updated on: Dec 19, 2022 | 11:59 PM

Morbi: ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ધારાસભ્ય તરીકે શપથ લીધા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ કે હવે મોરબીની ડિઝાઈન ફરી ગઈ છે. તેમણે કહ્યુ મોરબી જિલ્લો ક્લિન રહેશે અને અધિકારીઓે દોડીને કામ કરશે, વિકાસના કામોને પ્રાથમિક્તા અપાશે.

ગાંધીનગરમાં ધારાસભ્યોની શપથ વિધિ બાદ હવે વિધાનસભાના સત્રમાં મોરબી દુર્ઘટનાનો મુદ્દો ગુંજે તેવી શક્યતા છે. ત્યારે મોરબીથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વિધાનસભા પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે- મોરબીમાં અત્યારની સ્થિતિ સારી છે. અધિકારીને સૂચના આપીને તેઓ કડકાઈથી કામ કરવા લાગ્યા છે. 2-3 વર્ષ જે ચાલ્યું તે ચાલ્યું પણ હવે તેમના ચૂંટાવાથી બધુ બંધ થઈ ગયું છે. હવે મોરબીની ડિઝાઈન ફરી ગઈ છે. ધારાસભ્યએ ખાતરી આપતા જણાવ્યુ કે મોરબી જિલ્લો ક્લીન રહેશે, અધિકારીઓ દોડીને કામ કરશે.

વિકાસના કામો ઝડપથી પુરા કરાવવાની અમારી જવાબદારી- કાંતિ અમૃતિયા

તેમણે કહ્યું કે- વિકાસના કાર્યો ઝડપથી થાય તે તેમની જવાબદારી છે. પુલ દુર્ઘટનાને લઈ તેમણે કહ્યું કે મોરબી દુર્ઘટનામાં કોર્ટ જે નિર્ણય લેશે તે પ્રમાણે સરકાર કાર્યવાહી કરશે. મૃતકોના પરિવારજનોને સહાય ચૂકવાઈ છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ તમામના બાળકોને ભણવા માટે 25 લાખ રૂપિયા ચૂકવ્યા છે.કાંતિ અમૃતિયાએ જણાવ્યુ કે સરકારના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા પછીની જવાબદારી પ્રજાનું રક્ષણ કરવાની અને વિકાસ વાત હોય તેને હું વળગી રહીશ.

મોરબીના લોકો પ્રેમથી કહે છે મુખ્યમંત્રી

ચૂંટણી સમયે પણ કાંતિ અમૃતિયાએ લોકોને બહોળા પ્રમાણમાં મતદાન કરવા અપીલ કરી હતી. ત્યારે પણ તેમણે જણાવ્યુ હતુ કે મોરબીમાં આ પ્રકારનો માહોલ તેમણે પહેલીવાર જોયો છએ. આ વખતે મતદારો ચૂંટણી લડી રહ્યા હોય તેવો માહોલ છે. મોરબીના લોકો તેમને પ્રેમથી તેમના મુખ્યમંત્રી તરીકે ઓળખાવે છે, આના પર કાંતિ અમૃતિયાએ જણાવ્યુ હતુ કે વડાપ્રધાન જેના ભાઈ હોય તેને મુખ્યમંત્રી બનવાનો વિચાર ન કરાય.