JUNAGADH : ઓઝત નદીનું ઘેડ પંથકમાં રૌદ્ર સ્વરૂપ, જુઓ જળબંબાકારના ભયાવહ આકાશી દ્રશ્યો
ઘેડ વિસ્તારમાં ઓઝત, ભાદર અને સાંબલી નદીના પાણીથી જળબંબાકારની સ્થિતિ છે. જેને પગલે ઘેડ પંથકના ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. વાડી વિસ્તારના મકાનોમાં પાણી ઘુસી જતાં માલ ઢોર મુશ્કેલીમાં મુકાયા છે.
જુનાગઢ-કેશોદ અને પોરબંદરના ઘેડ પંથકમાં ઓઝત નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભારે વરસાદને પગલે ઓઝત નદીના પાણીથી ઘેડના ગામોમાં પુરની સ્થિતિનું નિર્માણ થયું છે. આ ઘેડ પંથકના ગામોના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. આકાશી દ્રશ્યો જોઇને તમે અંદાજ લગાવી શકો છો કે આ વિસ્તારમાં કેવી સ્થિતિ હશે.
ઘેડ વિસ્તારમાં ઓઝત, ભાદર અને સાંબલી નદીના પાણીથી જળબંબાકારની સ્થિતિ છે. જેને પગલે ઘેડ પંથકના ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. વાડી વિસ્તારના મકાનોમાં પાણી ઘુસી જતાં માલ ઢોર મુશ્કેલીમાં મુકાયા છે. પૂરની પરિસ્થિતિ વચ્ચે ખેતરો તળાવમાં ફેરવાઇ ગયા છે. તો નદીઓના તુટેલાં પાળાઓએ કારણે વહેણ બદલાતાં ખેડૂતો બેહાલ થયા છે. અનેક ખેતરો અને ઘરોમાં પાણી ઘુસી ગયા છે. સીમ વિસ્તારમાં કયાંક પશુઓ પાણીમાં તણાયાની ઘટના સામે આવી છે. ગત વરસે પણ આ વિસ્તારમાં આવી જ પરિસ્થિતિ સર્જાઇ હતી. ત્યારે ઘેડ વિસ્તારની નદીઓ ઉંડી અને પહોળી કરવા લોકો કેટલાક સમયથી માંગ કરી રહ્યાં છે.
કેશોદમાં દીપડો તણાયાનો વીડિયો સામે આવ્યો
તો કેશોદના ઘેડના ગામો પાણીથી તરબોળ થયો છે. બામણાસા ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં દીપડો તણાયો હતો. જેનો પણ વીડિયો સામે આવ્યો છે. હજુ પણ આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અને, અનરાધાર વરસાદથી આ વિસ્તારની સ્થિતિ દયનીય બની છે. ત્યારે હવે મેઘરાજા ખમૈયા કરે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યાં છે.