Video: જૂનાગઢ તોડકાંડ કેસના સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટને આજે કોર્ટમાં રજૂ કરાશે, પોલીસ રિમાન્ડની માગ કરશે
તરલ ભટ્ટની ધરપકડ બાદ હવે તોડકાંડના વણઉકલ્યા રહસ્યો પરથી પડદો ઉચકાઇ શકે છે. 26 જાન્યુઆરીએ ફરિયાદ બાદ ભટ્ટ સામે ગુનો નોંધાયો અને સસ્પેન્ડ કરી દેવાયા છે.ફરાર થયાના 7માંથી 4 દિવસનું સસ્પેન્સ હજી પણ અકબંધ છે. જોકે આ જ સવાલોના જવાબ મેળવવા ગુજરાત ATS તરલ ભટ્ટને આજે જૂનાગઢની કોર્ટમાં હાજર કરશે.
જૂનાગઢ તોડકાંડના માસ્ટર માઈન્ડ PI તરલ ભટ્ટ ગુજરાત ATSના સકંજામાં આવી ચૂક્યો છે. ફરિયાદ નોંધાયાના 7 દિવસથી તરલ ભટ્ટ ફરાર હતા. જો કે ધરપકડ બાદ હવે સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટને આજે કોર્ટમાં રજૂ કરાશે અને રિમાન્ડની માગ કરવામાં આવશે. ATSની ટીમ અમદાવાદથી તરલ ભટ્ટને લઈને જૂનાગઢ પહોંચી ગઇ છે.
ફરાર થયાના 7માંથી 4 દિવસનું સસ્પેન્સ હજી અકબંધ
તરલ ભટ્ટની ધરપકડ બાદ હવે તોડકાંડના વણઉકલ્યા રહસ્યો પરથી પડદો ઉચકાઇ શકે છે. 26 જાન્યુઆરીએ ફરિયાદ બાદ ભટ્ટ સામે ગુનો નોંધાયો અને સસ્પેન્ડ કરી દેવાયા છે. ફરિયાદ નોંધાતા જ તરલ ભટ્ટ ઇન્દોર ભાગી ગયો હતો, જ્યાં 2 દિવસ રોકાણ કર્યા બાદ તે શ્રીનાથજી પહોંચ્યો હતો, જ્યાં એક દિવસ રોકાયો હતો, જોકે શ્રીનાથજી બાદ તરલ ભટ્ટ ક્યાં ગયો, ક્યાં રોકાયો, કોણે આશરો આપ્યો તેની કોઇ જ વિગતોની સ્પષ્ટતા કરવામાં આવી નથી. એટલે કે ફરાર થયાના 7માંથી 4 દિવસનું સસ્પેન્સ હજી પણ અકબંધ છે. જોકે આ જ સવાલોના જવાબ મેળવવા ગુજરાત ATS તરલ ભટ્ટને આજે જૂનાગઢની કોર્ટમાં હાજર કરશે. ઉલ્લેખનીય છે કે તોડકાંડનો ગુનો જૂનાગઢમાં જ નોંધાયો હતો.
આત્મસમર્પણ કરે તે પહેલા ઝડપી લેવાયો
ગુજરાત ATSનો દાવો છે કે તરલ ભટ્ટનો ફોન બંધ આવતો હતો. જેથી પોલીસે કારના નંબરના આધારે તરલને ટ્રેક કરાયો હતો. કારના ટ્રેકિગમાં તરલ ભટ્ટ શ્રીનાથજી અને ઇન્દોરમાં મહાકાલેશ્વર મંદિરે દર્શન કરવા ગયો હતો. બંને સ્થળોએ ATSની ટીમ પહોંચી હતી, પરંતુ ફિલ્મી ઢબે ATS પહોંચે તે પહેલા જ તરલ ભટ્ટ નીકળી ગયો હતો. બંને સ્થળે દર્શન કરીને તરલ ભટ્ટ કોર્ટમાં આત્મસમર્પણ કરે તે પહેલા જ કારના ટ્રેકિંગ આધારે અમદાવાદના રિંગરોડ પરથી તેને ઝડપી લેવાયો હતો.
આર્થિક આરોપોના કારણે અનેકવાર બદલી થઇ
તરલ ભટ્ટ અને વિવાદ એકબીજાના પર્યાય રહ્યા છે. વર્ષ 2014થી 2024 સુધી 10 વર્ષમાં આર્થિક આરોપોના કારણે અનેકવાર બદલી થઇ ચૂકી છે. વર્ષ 2008ની બેચના PSI તરલ ભટ્ટની 2 વાર બદલી થઇ ચૂકી છે. વર્ષ 2014માં એક લાખની માંગણીના આરોપસર હાઇકોર્ટમાં હેબિયસ કોપર્સ થઇ હતી. કોર્ટના આદેશ બાદ ભટ્ટની અમદાવાદ જિલ્લામાંથી બદલી કરાઇ હતી. તો 2023માં માધવપુરા સટ્ટાકાંડમાં તોડકાંડના આરોપસર જૂનાગઢ જિલ્લામાં બદલી કરવામાં આવી હતી. તો માણાવદરના ન્યૂડ કોલ કેસની તપાસમાં પણ ભટ્ટની શંકાસ્પદ ભૂમિકાની શક્યતા છે, જેની તપાસ ચાલી રહી છે.
જ્યારે તોડકાંડના કેસમાં તો ભટ્ટનો પાપનો ઘડો ફૂટી ચૂક્યો છે અને સસ્પેન્ડ થયા બાદ હવે ખાખીનો રૂઆબ છાંટતો તરલ ભટ્ટ આરોપીના કઠેડામાં ઉભો છે. જો ગુજરાત ATS તલસ્પર્શી તપાસ કરે તો તરલના અનેક કારનામાઓનો પર્દાફાશ થઇ શકે છે.
Published on: Feb 03, 2024 12:40 PM
