અમરેલીમાં રોડ રસ્તાની બિસમાર હાલતને લઈને અવારનવાર ફરિયાદો ઉઠતી રહે છે. વર્ષોથી અમરેલી જિલ્લાના રસ્તાઓ બિસમાર હાલતમાં છે અને જે નવા બને છે તે પણ એક જ વરસાદમાં ધોવાઈ છતા હોવાની ફરિયાદો સામે આવતી રહે છે. નબળી ગુણવત્તાની કામગીરીને કારણે નવાનકોર રસ્તાઓ પણ થોડા મહિનાઓમાં જ બિસમાર બની જાય છે. ત્યારે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ અધિકારીઓ સાથે લીલીયા રોડનું નિરીક્ષણ કર્યુ હતુ. આ તકે તેમની સાથે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા પણ હાજર હતા. રોડ નિરીક્ષણ સમયે નબળા બાંધકામને લઈને જીતુ વાઘાણીએ અધિકારીઓને રીતસરના ખખડાવતા જોવા મળ્યા હતા.
અમરેલીમાં એક વર્ષ પહેલા બનેલા રોડનું પણ કૃષિમંત્રી જીતુ વાઘાણીએ નિરીક્ષણ કર્યુ હતુ. એક વર્ષ પહેલા બનેલો રોડ પણ જર્જરીત બનતા મંત્રીએ એ મુદ્દે પણ અધિકારીઓને ટપારતા જોવા મળ્યા હતા. જીતુ વાઘાણી લીલીયા રોડ પર પુલની બંને બાજુના રોડના નબળા બાંધકામ મુદ્દે ઠપકો આપ્યો હતો. કલેક્ટર ઓફિસે વિકાસ કામગીરી માટે બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. જીતુ વાઘાણી અમરેલીના પ્રભારી મંત્રીની જવાબદારી પણ સંભાળી રહ્યા છે, જેને લઈને તેમણે જિલ્લામાં રોડ રસ્તાના કામોનું નિરીક્ષણ કર્યુ હતુ.
આ તકે વાઘાણીએ જણાવ્યુ હતુ કે મુખ્યમંત્રીનો અધિકારીઓને સ્પષ્ટ આદેશ છે કે કોઈપણ સંજોગોમાં કોઈપણ ભોગે રોડ-રસ્તાના કામોમાં કોઈપણ સમાધાન કરવામાં આવશે નહીં. સ્હેજ પણ નબળુ કામ ચલાવી લેવામાં નહીં આવે. જે બાદ કલેક્ટર કચેરીએ રસ્તાની કામગીરી અંગે બેઠક યોજાઈ હતી. રાજ્ય સરકાર રસ્તાના કામમાં કોઈ પણ પ્રકારની લાલિયાવાડી ચલાવી લેવાના મૂડમાં ન હોવાનું સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે. જે બાદ ભ્રષ્ટ અધિકારીઓની મુશ્કેલીમાં વધારો થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
Published On - 7:18 pm, Fri, 21 November 25