વિકાસના કાર્યોમાં ‘લૂંટ’ ક્યાં સુધી ? ₹1 કરોડથી વધુના ચેકડેમ કામમાં ‘મોટો ખેલ’, ભ્રષ્ટાચારની પોલ ખોલવા ગાંધીનગરની ટીમ મેદાને – જુઓ Video
જામનગરના ધ્રોલ તાલુકામાંથી નવનિર્મિત ચેકડેમને લઈને એક વિવાદ સામે આવ્યો છે. સ્થાનિક ગ્રામજનોએ આ ચેકડેમની કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને આશરે એક કરોડ રૂપિયાથી વધુની સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ થયો હોવાનો આક્ષેપ કર્યો છે.
જામનગરમાં ધ્રોલ તાલુકા ખાતે નવનિર્મિત ચેકડેમ અંગેનો વિવાદ સામે આવ્યો છે. ચેકડેમની કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપ બાદ હવે આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સ્થાનિક ગ્રામજનોએ ચેકડેમની નિર્માણ ગુણવત્તા પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
ગ્રામજનોનો આક્ષેપ છે કે, આ પ્રોજેક્ટમાં એક કરોડ રૂપિયાથી વધુની સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. આ નબળા કામકાજ અંગે ગ્રામજનો દ્વારા ગાંધીનગર સુધી લેખિત ફરિયાદ કરવામાં આવી હતી, જેના પગલે તંત્ર એક્શનમાં આવ્યું છે અને તપાસના આદેશો અપાયા છે.
મહત્વનું છે કે ગ્રામજનોએ ચેકડેમમાં આયોજન વગર કામગીરી થઈ રહી હોય તેવા પણ આરોપ લગાવ્યા છે. ચેકડેમમાં પાણી છોડવા માટેનો રસ્તો બંધ કરી દેવાયો હોવાનો પણ ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે. એવામાં સમગ્ર મામલે કાર્યપાલક ઈજનેરનું કહેવું છે કે, ગ્રામજનો દ્વારા ભ્રષ્ટાચારની કોઈ રજૂઆત મળી નથી. જો કે, ગાંધીનગરની ટીમ જે તપાસ કરે તે મુજબ કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરાશે તેવું નિવેદન આપ્યું છે.
