અમદાવાદમાં 187 કરોડના વિકાસ કાર્યોનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ તથા ખાતમુહુર્ત, ખોખરા ફોર લેન બ્રિજનુ પણ કરાયું ઉદ્દઘાટન

|

Aug 09, 2022 | 7:30 PM

Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 187 કરોડના પ્રજાલક્ષી વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહુર્ત કર્યુ છે, જેમા 5 વર્ષથી શહેરીજનો જેની રાહ જોઈ રહ્યા હતા તે ખોખરા ઓવરબ્રિજને પણ ખુલ્લો મુકવામાં આવ્યો છે.

અમદાવાદ (Ahmedabad)માં જેની કાગડોળે રાહ જોવાઈ રહી હતી તે ખોખરામાં બનેલા ફોરલેન બ્રિજનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું છે. કુલ 70 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર થયો છે. લોકો જેની પાંચ-પાંચ વર્ષથી રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આખરે આવી ગઈ છે. આપને જણાવી દઈએ કે ખોખરા ફોર લેન બ્રિજનું કામ 5 વર્ષ પછી પુરુ થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) તેને લોકો માટે ખુલ્લો મુક્યો છે. આ બ્રિજનું લોકાર્પણ થવાથી રામાનંદ કોટથી એલ.જી. કોર્નર થઈ નાથાલાલ ઝઘડા બ્રિજ આસપાસના વિસ્તારના લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે. આ બ્રિજ પરથી રોજના અંદાજે 3 લાખ વાહનો પસાર થશે. ખોખરા રેલવે બ્રિજનો અચાનક એક ભાગ તૂટી પડતાં તેને બંધ કરી દેવાયો હતો. ત્યારબાદ હાલ 70 કરોડના ખર્ચે 4 લેનનો નવો બ્રિજ બનાવવામાં આવ્યો છે.

વર્ષોથી ખોખરા ઓવરબ્રિજનું કામ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યુ હતુ. જેના કારણે મણિનગર વિસ્તારના લોકોને ભારે હેરાનગતિ થતી હતી. તેમને લગભગ 4 થી 5 કિલોમીટરનું વધારે અંતર કાપવુ પડતુ હતુ. આ બ્રિજ તૈયાર થતા એલજી કોર્નરનો જે ટ્રાફિક છે તેમા પણ ઘણાખરા અંશે રાહત થશે અને ટ્રાફિકની સમસ્યામાંથી પણ મુક્તિ મળશે.

187 કરોડના વિકાસ કામોનુ લોકાર્પણ તથા ખાતમુહુર્ત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 187 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસકામો અન્વયે  136.11 કરોડના લોકાર્પણ અને 51.25 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહુર્ત કર્યુ હતુ. ખોખરા બ્રિજ, ચાંદખેડા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન, કાંકરિયા રેલ્વે ટ્રેક, નિકોલ કોમ્યુનિટી હોલ અને ગાર્ડન, પરિમલ ગાર્ડન, 25 ફાયર ટેન્કરના કાર્યોનું લોકાર્પણ કરીને લોકો માટે કાર્યરત કરાવ્યા છે. આ સાથે પિન્ક ટોયલેટ, દાણીલીમડામાં આકાર પામનારૂ લીલાધર કોમ્યુનિટી હોલ અને વીરમાયાનગર આવાસોનું રીડેવલપમેન્ટ કાર્ય, બાપુનગર શેલ્ટર હોમ અને ઠક્કરબાપાનગર વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું ખાતમુહૂર્ત કર્યુ હતુ.

કાંકરિયા ખાતે આવેલા રેલવે ટ્રેકનું કામ પણ પૂર્ણ થયુ છે. જેના કારણે કાકરિયામાં સહેલાણીઓ હવે રેલવેની મુસાફરી પણ સરળતાથી માણી શકશે.

ઈનપુટ ક્રેડિટ -જિજ્ઞેશ પટેલ- અમદાવાદ

Next Video