રાજકોટમાં લારી, ગલ્લા અને પાથરણાવાળાઓને લઈને વેપારીઓએ ઉગ્ર વિરોધ કર્યો, શહેરની મુખ્ય બજારો ગણાતા ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડના વેપારીઓએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે. વેપારીઓની ફરિયાદ છે કે પાથરણાવાળાઓને કારણે ટ્રાફિક થતા દુકાને આવતા ગ્રાહકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ભારે ટ્રાફિકને કારણે ગ્રાહકો બજારની અંદર સુધી આવવાનું જ ટાળે છે જેના કારણે ધંધાને પારાવાર નુકાસાની જાય છે.
જો કે પાથરણાવાળાઓને કારણે સર્જાતા ટ્રાફિક મુદ્દે ધારાસભ્ય રમેશ ટીલાળા અને દર્શિતા શાહે મનપા કચેરીએ રજૂઆત કરી છે અને લારીવાળા તેમજ પાથરણાવાળાને અન્ય જગ્યા ફાળવવાની માગ કરી છે. આ મુદ્દે મહાનગરપાલિકાએ બંનેના હિતમાં નિર્ણય લેવાની ખાતરી આપી છે.
તો આ તરફ વેપારીઓનું કહેવું છે કે લારી, પાથરણાવાળાને કારણે એટલો ટ્રાફિક થઈ જાય છે જેની સીધી અસર ધંધા પર થાય છે. દર વર્ષે દિવાળી ટાણે આ અંગે રજૂઆત કરવામાં આવે છે પણ કાયમી ઉકેલ નથી આવતો. આ અંગે ધારાસભ્ય દર્શિતાબેન શાહે કહ્યું દિવાળીમાં નાના વેપારીઓ અને દુકાનદારો બન્નેને નુકસાન ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. પાથરણાવાળાઓને અન્ય જગ્યાની વ્યવસ્થા કરવા અંગે પણ માગ કરાઈ છે. મ્યુનિસિપલ કમિશનરે ખાતરી આપતા કહ્યું કે અડચણરૂપ દબાણો હટાવવાની કામગીરી કરાશે અને પાથરણાવાળાઓને પણ અન્ય જગ્યાની ફાળવણી અંગે વિચારણા કરાશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો