મહેસાણાના અનેક ખેડૂતોને રાત્રે વીજ પૂરવઠો મળતો હોવાથી રાત ઉજાગરા કરવા પડે છે. ઠંડીમાં ઠુંઠવાતા તેમને ખેતરમાં પાકને પિયત કરવી પડે છે. જિલ્લાના કેટલાક ગામોમાં ખેડૂતોને રાત્રે 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા દરમિયાન વીજળી મળે છે અને કડકડતી ઠંડીમાં ટોળકી બનાવી ખેડૂતોને ખેતરે જવુ પડે છે. આ દરમિયાન રાની પશુઓનો પણ ડર રહે છે.
રાત્રે વીજળી મળતી હોવાથી તાતની મુશ્કેલી વધી છે. જ્યારે લોકો ઠંડીથી બચવા ઘરમાં નિરાંતે મીઠી નીંદ્રા માણતા હોય ત્યારે ખેડૂતોએ રાત ઉજાગરા કરી ખેતીમાં પાણી પૂરૂ પાડવા રાત્રે નીકળવું પડે છે કેમકે વીજકંપની તેમને દિવસે નહીં, પરંતુ રાત્રે વીજ પૂરવઠો આપે છે. એક તો આકરી ઠંડી અને બીજું જીવજંતુ કે જંગલી પ્રાણીઓનો પણ ખેડૂતોને સતત ડર રહે છે.
રાત્રે જ વીજળી મળતી હોવાથી ખેડૂતો પાંચથી સાતની ટોળકી બનાવીને પિયત માટે પહોંચે છે. મહેસાણામાં શાકભાજી, એરંડા, બાજરી, ઘઉં, ઘાસચારા સહિત અનેક પાકોનું વાવેતર કરાયું છે. ત્યારે જો દિવસે વીજળી મળે તો ખેડૂતોને આકરી ઠંડીમાં ઠૂંઠવાઈને પિયત માટે ન જવું પડે. આ સ્થિતિમાં ખેડૂતોને પિયતમાં મુશ્કેલી પડી રહી છે. માટે જ આ ખેડૂતો દિવસે વીજ પુરવઠો આપવા માગ કરી રહ્યાં છે. માત્ર મહેસાણામાં જ રાત્રે વીજળી આપવા પાછળનું કારણ શું છે એ તો વીજકંપનીના અધિકારીઓ જાણે. પરંતુ કડકડતી ઠંડીની આ ઋતુમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનો નિર્ણય લેવાય તો તેમને થોડી રાહત મળી શકે.
Published On - 11:33 pm, Sat, 31 December 22