સાવરકુંડલાના જાબાળ ગામે એકસાથે ચાર સિંહોના આંટાફેરા આવ્યા સામે, CCTVમાં કેદ થયા ડાલામથ્થા- જુઓ Video

| Updated on: Sep 27, 2024 | 6:19 PM

અમરેલીના સાવરકુંડલા તાલુકામાં આવેલા જાબાળ ગામે રાત્રિના સમયે એકસાથે ચાર સિંહો આવી ચડ્યા હતા. ગામના સીસીટીવી કેમેરામાં આ ચાર સિંહોની લટાર કેમેરામાં કેદ થઈ છે. આ ચારેય સિંહો શિકારની શોધમાં ગામમાં આવી ચડ્યા હોવાનુ અનુમાન લગાવાઈ રહ્યુ છે.

સિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લાના ગામોમાં અવારનવાર સિંહો રહેણાંક વિસ્તારોમાં આવી ચડે છે. ખોરાક કે પાણીની શોધમાં સિંહો રહેણાંક વિસ્તારોમાં આંટાફેરા કરતા રહે છે. હાલ ભેજવાળી ઋતુને કારણે જંગલમાં ભયંકર બફારો અને ગરમી થતી હોવાથી પણ સિંહો ખુલ્લા વાતાવરણમાં આંટાફેરા કરવા બહાર આવી ચડતા હોય છે. ત્યારે જંગલના રાજાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે સાવકુંડલાના જાબાળ ગામેથી. જ્યાં એકસાથે ચાર સિંહોના આંટાફેરા સામે આવ્યા છે. ચાર સિંહો ગામમાં લટાર લગાવી રહ્યા છે. સિંહોના આંટાફેરાના આ દૃશ્યો ગામના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. શિકારની શોધમાં આ ચારેય સિંહો આંટાફેરા કરતા જોવા મળ્યા હતા.

આ તરફ જાફરાબાદ તાલુકાના કાગવદર ગામે પણ સિંહ લટાર મારતા નજરે પડ્યા હતા. વરસાદી મૌસમ વચ્ચે સિંહ ગામમાં લટાર મારતો જોવા મળ્યો. સાંજના સમયે સિંહ બજારમાં આંટાફેરા કરી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયો છે. જો કે ગામડાઓમાં સિંહે દેખા દેતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

આ અગાઉ પણ અમરેલી જિલ્લાના ધારી નજીક સાત સિંહ લટાર મારતા જોવા મળ્યા હતા. મોડી રાત્રે રબડી ગામના રેલવે ફાટક પાસે 7 સિંહોનનું ટોળુ પસાર થતા અનેક વાહનોના પૈડા થંભી ગયા હતા. એક સાથે સાત સિંહોનો વીડિયો નજીક ઉભેલા એક વ્યક્તિએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો. હાલ સિંહોના ટોળાની લટારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

હાલ વરસાદી સિઝન હોવાથી જંગલ છોડી સિંહો ખુલ્લા વાતાવરણમાં ઠંડક મેળવવા આવતા હોય છે. જંગલમાં બફારાથી અકળાયેલા સિંહો ગામ ભણી આવી ચડે છે. જો કે અહીં ભાગ્યે જ આ સિંહો કોઈ માનવીનો શિકાર કરે છે. અહીની માનવ વસ્તી સાથે સિંહોની અનોખી મિત્રતા જોવા મળે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો