બોટાદમાં સાળંગપુર હનુમાનજી મંદિરમાં દાદાને કરાયો ફળોનો શણગાર, અલૌકિક શણગારના દર્શન કરી ભાવિકો થયા ભાવવિભોર, જુઓ વીડિયો

Botad Salangpur Mandir: બોટાદમાં આવેલા સુપ્રસિદ્ધ સાળંપુર હનુમાનજી મંદિરે આજે ફળોના અન્નકૂટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા દાદાને વિવિધ ફળોથી શણગાર કરવામાં આવ્યો હતો. આ અલૌકિક દર્શનનો લાભ લેવા હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2022 | 9:11 PM

બોટાદમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી (Salangput Temple) મંદિરે આજે ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સાળંગપુર હનુમાનજી મહારાજને શ્રાવણ માસના પ્રથમ શનિવાર નિમીત્તે વિવિધ ફળોનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. જેમા સફરજન, મોસંબી, નારંગી, પેરુ, કિવિ, ડ્રેગન ફ્રુટ, ખારેક, પપૈયા, દ્રાક્ષ સહિતના અનેક ફળોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ અલૌકિક અન્નકૂટના દર્શન (Annakut Darshan)નો લાભ લેવા માટે હજારો શ્રદ્ધાળુ ઓ ઉમટી પડ્યા હતા અને દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. દાદાના આ પવિત્ર શણગારના દર્શન કરી ભાવિકો (Devotees)એ અપાર ધન્યતા અનુભવી હતી.

શ્રાવણ માસના પ્રથમ શનિવારે ઉમટ્યા હજારો ભાવિ ભક્તો

શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીના જણાવ્યા મુજબ મંદિરમાં શ્રાવણ માસનો પ્રથમ શનિવાર હોવાથી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટ્યા હતા. ભક્તો ક્યાંય સમાતા ન હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ આનંદ અને ઉત્સવોનું આયોજન કરી દાદાને રાજી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આજે પ્રથમ શનિવારે ફળોના અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યુ અને દાદાને શણગાર પણ ફળોનો કરવામાં આવ્યો હતો. હરીપ્રકાશ સ્વામીએ વધુમાં જણાવ્યુ હતુ કે દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે દાદા સહુનું મંગલ કરે. આ શ્રાવણ માસમાં પાંચ શનિવાર છે. આથી દાદાની સેવાનો વધારે લ્હાવો મળશે તેમ સ્વામી હરીપ્રસાદે જણાવ્યુ હતુ. આપને જણાવી દઈએ કે દર વર્ષે શ્રાવણ માસમાં સાળંગપુર મંદિરમાં વિવિધ આયોજનો કરવામાં આવે છે અને દાદાને વિવિધ પ્રકારનો શણગાર કરવામાં આવે છે. જો કે કોરોનાને કારણે બે વર્ષ સુધી લોકો શ્રાવણ માસમાં દાદાના દર્શનનો લાભ નહોંતા લઈ શક્યા ત્યારે આ વર્ષે કોઈ પ્રકારના પ્રતિબંધો ન હોવાથી ભાવિ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">