ગુજરાતમાં કોરોના વેક્સિનના બુસ્ટર ડોઝ અંગે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું
Vaccination In Gujarat : રાજ્યમાં આ મહિને જ 10 તારીખ સુધીમાં ગાંધીનગર, ભાવનગર, સુરત, રાજકોટ, જૂનાગઢ આ 5 મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રથમ ડોઝનું 100 ટકા રસીકરણ પૂર્ણ થઇ ચુક્યું હતું.
MEHSANA : ગુજરાતમાં કોરોના વેક્સિનના બુસ્ટર ડોઝ અંગે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે મહેસાણા ખાતેના એક કાર્યક્રમમાં મહત્વનું નિવેદન આપ્યું છે. મહેસાણાના વિસનગરમાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે બુસ્ટર ડોઝ અંગે કહ્યું હતું કે, બુસ્ટર ડોઝ ઓન ગોઇંગ પ્રોસેસ છે.વૈજ્ઞાનિકો અને વાયરોલોજિસ્ટ દ્વારા પરીક્ષણ થઈ રહ્યા છે.જરૂર પડ્યે બુસ્ટર ડોઝ માટે પગલાં લેવાશે.
તો કોરોના મુદ્દે તેમણે કહ્યું હતું કે, પહેલાં 15-16 કેસ આવતા હતા, હવે 32 થયા છે. જેવી રીતે અગાઉ ઝડપથી કોરોના પર કાબૂ મેળવ્યો છે એવી જ રીતે પૂર્વ નાયબ મુખ્ય પ્રધાનના માર્ગદર્શનમાં આગળ વધી રહ્યા છીએ..તેમણે લોકોને અપીલ પણ કરી હતી કે, કોરોના ગયો છે એમ માન્યા વગર લોકો વેક્સિનનો બીજો ડોઝ લઈ લે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અને દેશમાં કોરોના મહામારી વિરુદ્ધ 16 જાન્યુઆરીથી રસીકરણ મહા અભિયાન શરૂ છે. રાજ્યમાં ગઈકાલે 13 ઓક્ટોબરના રોજ 4,26,516( 4 લાખ 26 હજાર 516) લોકોનું પ્રથમ અને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,41,80,817 (7 કરોડ 41 લાખ 80 હજાર 817) ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં આ મહિને જ 10 તારીખ સુધીમાં ગાંધીનગર, ભાવનગર, સુરત, રાજકોટ, જૂનાગઢ આ 5 મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રથમ ડોઝનું 100 ટકા રસીકરણ પૂર્ણ થઇ ચુક્યું હતું. આ ઉપરાંત રાજ્યના 4 જિલ્લાજૂનાગઢ, મહીસાગર, તાપી, અમદાવાદ જિલ્લામાં પણ પ્રથમ ડોઝનું 100 ટકા રસીકરણ પૂર્ણ થઇ ચુક્યું છે.
આ પણ વાંચો : ભાવનગરની 4 વર્ષની બાળકીની અદ્ભુત યાદશક્તિ, કોમ્પ્યુટર કરતા પણ તેજ ચાલે છે સાક્ષીનું મગજ
આ પણ વાંચો : 18 દિવસની બાળકીને માતાએ નદીમાં ફેંકી હત્યા કરી, પોલીસ અને પતિ સમક્ષ અપહરણનું નાટક રચ્યું