સુરતમાં (Surat) સલાબતપુરા પોલીસે ગેરકાયદે ચાલતું કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. કોલ સેન્ટરમાંથી એક મહિલા સહિત 7 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, તેમજ કોલ સેન્ટરમાંથી કુલ 2.55 લાખની મત્તા કબજે કરવામાં આવી છે, કોલ સેન્ટરમાંથી ડેટા એન્ટ્રીનું કામ આપવાના બહાને લોકોનો સંપર્ક કરવામાં આવતો હતો.
બાદમાં કોન્ટ્રકટ ભંગ કર્યો છે તેમ કહી પોલીસ કેસ કરવાનું કહી તેમજ વકીલના લેટર પેડ પર નોટીસ મોકલી ગ્રાહકો પાસેથી રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી, આ સમગ્ર મામલે પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો સુરત : YouTube Reels જોઈને લુધીયાણાથી નકલી નોટ લાવનાર ઝડપાયો, લુધીયાણાથી પણ એક વ્યક્તિની ધરપકડ કરાઈ
સુરતમાં સલાબતપુરા પોલીસે રીંગરોડ સ્થિત ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી બિલ્ડીંગમાં ચોથા માળે ગેરકાયદે ચાલતા કોલ સેન્ટર પર દરોડો પાડ્યો હતો, આ ઘટનામાં પોલીસે કોલ સેન્ટર ચલાવનાર દાનીશ સલીમભાઇ શાહ તથા કોલ સેન્ટરમાં કામ કરનાર કામીલ મોહમદ રફીક શેખ, અર્ષદ અલ્તાફભાઇ રફત, સાકીર આસીફખાન પઠાણ, ઇમરાન અબ્દુલ ગફાર મણીયાર, સાહીલ સલીમભાઇ નારીયેલી, સાનીયા સાકીર આસીફખાન પઠાણની ધરપકડ કરી છે.
પોલીસે કોલ સેન્ટરમાંથી અલગ અલગ મોબાઈલ ફોન, અલગ અલગ બેંકોના એટીએમ કાર્ડ, લેપટોપ વગેરે મળી કુલ 2.55 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે, પોલીસે જણાવ્યું હતું કે ક્વીકર ડોટ કોમમાં પૈસા ભરી ગ્રાહકોના મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડીની માહિતી મેળવી ગ્રાહકો સાથે વોટ્સએપમાં સંપર્ક કરાતો હતો.
બાદમાં ડેટા એન્ટ્રીનું કામ આપવાની વાત કરવામાં આવતી હતી અને ડેટા એન્ટ્રીના કામમાં 80થી 85% નીચે જ ચોક્કસાઇ આવે તે રીતે ગોઠવણ કરી કોન્ટ્રાક્ટનો ભંગ થાય તો ગ્રાહકોને રૂપિયા 5,880 ચુકવવાના તેવું કોલીંગમાં ગ્રાહકોને જણાવી કોન્ટ્રાક ભંગ બાબતે પોલીસ તથા કોર્ટ કેસ થયેલ હોવાની વકિલના લેટરપેડ પર નોટીસ મોકલી ગ્રાહકો પાસેથી રૂપિયાની જબરદસ્તી માંગણી કરી અલગ અલગ બેંક ખાતામાં રૂપિયા પડાવી લેવામાં આવતા હતા.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો