Video: જ્ઞાનસહાયકની કરાર આધારિત ભરતીને લઈને TET-TAT પાસ ઉમેદવારોનો વિરોધ યથાવત-વાંચો છેલ્લા ત્રણ દિવસનો કરાર પર તકરારનો સમગ્ર ઘટનાક્રમ
TET-TAT Protest: રાજ્યમાં જ્ઞાન સહાયકોની ભરતીને લઈને વિરોધ યથાવત છે. TET-TAT પાસે ઉમેદવારો છેલ્લા લાંબા સમયથી કરાર આધારિત ભરતીનો વિરોધ કરી રહ્યા છે. આ મુદ્દે ઉમેદવારો શિક્ષક દિનના દિવસે જ આંદોલન પર બેઠા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની સાથે બળજબરી કરવામાં આવી અને તેમને ટીંગાટોળી કરી ત્યાંથી ભગાડવામાં આવ્યા હતા.
Ahmedabad: રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલ જગ્યા માટે કરાર આધારિત જ્ઞાનસહાયક ભરતીનો વિરોધ યથાવત છે. બે દિવસ પહેલા જ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં સહાયક હનુમાન મંદિર TET-TAT પાસ ઉમેદવારોએ રામધુન બોલાવી. વિરોધ નોંધાવ્યો હતો. જેમા યુવરાજસિંહ જાડેજા પણ જોડાયા હતા. ત્યારે એ સવાલ થવો સ્વાભાવિ છે કે શું ભાવિ શિક્ષકોનું ભાવિ અંધકારમય બની જશે ? શું ફરી એકવાર જ્ઞાન સહાયક ભરતીનો વિવાદ વકરશે? કેમ પાંચ-પાંચ વર્ષથી સરકાર ઉમેદવારોને લોલિપોપ આપી રહી છે ?
આ તમામ સવાલો સર્જાવા પાછળનું કારણ છે જ્ઞાન સહાયક ભરતીનો વિવાદ. આ એક એવો વિવાદ છે જે છેલ્લા 60 મહિનાથી ઉમેદવારોને સતાવી રહ્યો છે. ખુદ શિક્ષણમંત્રીએ પણ ઉમેદવારોના રોષનો ભોગ બનવું પડ્યું અને ખરી ખોટી સાંભળવી પડી.
ત્યારે અહીં સવાલ એ સર્જાય કે કેમ ઉમેદવારોની હવે ધીરજ ખુટી રહી છે તો આ સવાલનો જવાબ છે 2 દિવસ અગાઉની ઘટના. 2 દિવસ પહેલા TET-TAT ઉમેદવારો કાયમી ભરતીની માગ સાથે પોતાનો અવાજ બુલંદ કરી રહ્યા હતા. પ્રવાસી શિક્ષક યોજના હોય કે જ્ઞાન સહાયક યોજના. ઉમેદવારો હંમેશાથી કાયમી ભરતીની માગ કરતા આવ્યા છે પરંતુ સરકાર છે કે મગનું નામ મરી પાડવાના મૂડમાં નથી.
જ્ઞાન સહાયક યોજનામાં ભરતીની જાહેરાત થતાની સાથે રાજ્યના પાટનગરમાં નવા સંગ્રામનો મંડાણ થયા. હજારોની સંખ્યામાં ઉમેદવારો રસ્તા પર ઉતર્યા અને કાયમી ભરતીની માગ સાથે કોન્ટ્રાક્ટ પ્રથાનો વિરોધ નોંધાવ્યો. વિરોધના આ દ્રશ્યો જ સાબિતી પુરે છે કે હવે ઉમેદવારો કંટાળ્યા છે અને આરપારની લડાઇ લેવાના મૂડમાં છે. ત્યારે જોવાનું રહે છે કે સરકાર પોતાનો નિર્ણય બદલે છે કે ઉમેદવારો પોતાનો મિજાજ.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો