ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની મોટી જાહેરાત, 27 ઓક્ટો. સુધી ટ્રાફિક પોલીસ નહીં વસુલે દંડ

| Edited By: | Updated on: Oct 28, 2022 | 6:00 PM

તહેવારોને ધ્ચાને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી છે. 27મી ઓક્ટોબર સુધી ટ્રાફિક પોલીસ દંડ નહીં વસુલે તેવી જાહેરાત કરવામાં આવી છે. તહેવારોના સમયે રાજ્યના નાગરિકોને રાહત આપતી જાહેરાત ગૃહરાજ્યમંત્રીએ કરી છે.

દિવાળી દરમિયાન વાહનચાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત ટ્રાફિક પોલીસ દંડ નહીં વસુલે. સુરતમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) એ ટ્રાફિકના નિયમો (Traffic Rules) ને લઈને મોટી જાહેરાત કરી અને જણાવ્યુ કે આજથી એટલે કે 21 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધી ટ્રાફિક પોલીસ દંડ નહીં વસુલે. 27 ઓક્ટોબર ભાઈબીજના દિવસે રાત્રિના 12 વાગ્યા સુધી ટ્રાફિક પોલીસ (Traffic Police) દ્વારા કોઈપણ પ્રકારનો દંડ વસુલવામાં નહીં આવે.

ટ્રાફિક નિયમ તોડનારને ફુલ આપી ભાન કરાવાશે : હર્ષ સંઘવી

સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત સેફ દિવાલી સેફ સુરત કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.અને જનતા વચ્ચે અનેક બાબતો પર લોકોને જાણકારી આપી હતી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે તહેવારો દરમિયાન 27 ઓક્ટોબર રાત્રિના 12 વાગ્યા સુધી ટ્રાફિક પોલીસ દ્વારા ગુજરાતમાં કોઈપણ પ્રકારનો દંડ વસુલવામાં નહીં આવે. ગુજરાતની ટ્રાફિક પોલીસ જો કોઈપણ નાગરિકને હેલમેટ પહેર્યા વગર પકડશે કે પછી લાયસન્સ વગર પકડશે, અથવા તો અન્ય કોઈપણ ટ્રાફિક નિયમનું પાલન નહીં કરવા બદલ પકડશે તો એમને સલામતીનું ભાન કરાવવા માટે ટ્રાફિક પોલીસ એક ફુલ આપીને નિયમોનું પાલન કરવા સમજાવશે.

સાથોસાથ હર્ષ સંઘવીએ લોકોને ઉદ્દેશીને જણાવ્યુ કે તમારી દિવાળીની ખરીદીની જે બચતના પૈસા હોય તે ટ્રાફિક પોલીસના દંડમાં ન જાય તેને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયોછે. હર્ષ સંઘવીએ એ પણ ટકોર કરી કે તેનો મતલબ એવો હરગિઝ નથી કે 27 તારીખ સુધી ટ્રાફિકના નિયમોનુ પાલન ન કરવુ. સ્વયં શિસ્ત જાળવવાની પણ તેમણે અપીલ કરી અને જો કદાચ કોઈ ભૂલ થઈ જાય તો દિવાળી ન બગડે તેવો રાહત આપતો નિર્ણય ગૃહરાજ્યમંત્રીએ કર્યો છે.

Published on: Oct 21, 2022 07:15 PM