સ્વામિનારાયણ સંપ્રદાયનું વધુ એક સાહિત્ય વિવાદનું કારણ બન્યું છે. આ વખતે ગોપાળાનંદ સ્વામીની વાર્તાના પુસ્તકમાં કરાયેલા ઉલ્લેખે સનાતનીઓને છંછેડ્યા છે. પુસ્તકમાં ભક્તને ટાંકતા ગોપાળાનંદ સ્વામીએ લખ્યું છે કે, દ્વારકામાં હવે ભગવાન છે જ નહીં, ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જવું જોઇએ. પુસ્તકમાં દાવો છે કે વડતાલમાં જ ભક્તોના તમામ મનોરથ પૂર્ણ થશે. પુસ્તકમાં વિવાદીત લખાણ સામે આવતા દ્વારકાના ગુગળી બ્રાહ્મણોમાં રોષ ફાટ્યો છે.
આ તરફ દ્વારકા શારદાપીઠના જગતગુરૂ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ કહ્યું કે પુસ્તકમાં ભગવાન શ્રીકૃષ્ણ અંગે કરાયેલી ટિપ્પણી દુર્ભાગ્યપૂર્ણ છે. સ્વામિનારાયણ સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યો તેને 200 થી 250 વર્ષ જ થયા છે. સહજાનંદ સ્વામી પહેલાથી સનાતન ધર્મ અસ્તિત્વમાં છે. સનાતનના પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણ છે.
વિવાદ વકરતા હવે હિંદુ સંગઠનો પણ સામે આવી રહ્યા છે. ભગવા સેનાના રાષ્ટ્રિય અધ્યક્ષ કમાલ રાવલે વિવાદીત ટિપ્પણીને કૃષ્ણના અપમાન સાથે સરખાવી અને સ્વામિનારાયણ સંપ્રદાયને માફી માગવા ચીમકી આપી સાથે જ સ્વામિનારાયણ સંપ્રદાયને વિધર્મીઓ સાથે સરખાવ્યા. આ તરફ માલધારી સમાજમાં પણ આ વાર્તા સામે પણ ખુબ જ આક્રોશ છે.
હવે ફરી એકવાર સનાતન વિરૂદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયનો વિવાદ વકર્યો છે. હાલ વડતાલ મંદિર તરફથી કોઇ નિવેદન સામે નથી આવ્યું. જો કે એક વાત સ્પષ્ટ છે કે માત્ર પોતાના જ સંપ્રદાયને મહાન બતાવવાની કોશિશમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને સાધુઓ હિંદુ દેવતાઓનું અપમાન કરી રહ્યા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 10:37 pm, Sun, 23 March 25