અમદાવાદ શહેરમાં રાત્રીથી પડેલા ધોધમાર વરસાદને કારણે પૂર્વ અને પશ્ચિમ એમ બંને વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેનાથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે.
નોબલનગર અને ભદ્રેશ્વરમાં જળબંબાકાર
કોતરપુર નજીકના નોબલનગરમાં ભારે પાણી ભરાયા છે, જેના કારણે નોબલનગરથી ભદ્રેશ્વર થઈને એરપોર્ટ તરફ જતો રસ્તો બંધ થઈ ગયો છે. એક તરફનો માર્ગ બંધ થવાથી વાહનવ્યવહાર વન-વે કરવામાં આવ્યો છે. રસ્તા પર પાણી ભરાવાના કારણે ખાનગી લક્ઝરી બસ અને એક સ્કૂલ બસ સહિત અનેક વાહનો બંધ પડી ગયા હતા.
શેલા અને સરખેજની કફોડી હાલત
શહેરના શેલા વિસ્તારમાં પણ જળભરાવની સ્થિતિ છે. ક્લબ ઓ-7ની આસપાસના બંને રોડ પાણીમાં ગરકાવ થયા છે, જેનાથી આ વિસ્તારની હાલત કફોડી બની છે. બીજી તરફ, સરખેજમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. રસ્તાનું લેવલિંગ યોગ્ય ન હોવાના કારણે આ સમસ્યા વધી હોવાનો આક્ષેપ છે અને અધિકારીઓની અણઆવડત પર લોકોએ રોષ વ્યક્ત કર્યો છે.
મકરબા અને ભૈરવનાથ રોડની સ્થિતિ
મકરબા રોડ પર પમ્પિંગ સ્ટેશનની બાજુમાં જ વરસાદી પાણી ભરાયા છે, જે અધિકારીઓની બેદરકારીનો સ્પષ્ટ સંકેત આપે છે. અહીં ડ્રેનેજ લાઈનમાંથી પાણીના ફુવારા ઉડી રહ્યા છે અને વર્ષોથી ચાલતી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. વોટર કમિટીના ચેરમેનના વિસ્તારમાં જ આવી સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત, મણિનગર-ઈસનપુરને જોડતા ભૈરવનાથ રોડ પર પણ કાયમી ધોરણે પાણી ભરાઈ ગયા છે, જે વ્હાઈટ ટોપિંગ પદ્ધતિથી બનાવવામાં આવ્યો હોવા છતાં આ સમસ્યા યથાવત છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં અનરાધાર વરસાદની આગાહી, અનેક જિલ્લામા ઓરેન્જ એલર્ટ જાહેર, વર્તમાન ચોમાસામાં 102 ટકા વરસ્યો મેહુલિયો
Published On - 6:41 pm, Sun, 7 September 25