Gujarat Rain: ભારે વરસાદ વચ્ચે જુનાગઢ બન્યુ ‘આફતગઢ’, જુઓ પાણીના કહેરની અને તંત્રની બેદરકારી ખોલતો Video

|

Jun 30, 2023 | 6:29 PM

જુનાગઢમાં ભારે વરસાદને કારણે નરસિંહ મહેતા તળાવનો પાળો બંધ કરાયો છે. વોકળા પર દબાણથી સ્થિતિ વિકટ બની છે. બંધકામોને કારણે કુદરતી વહેણ અવરોધાયું જેને લઈ પાણી ઘરોમાં ફરી વળ્યા છે.

Junagadh: ભારે વરસાદ સાથે જાણે આફતગઢ બની ગયું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. ગણતરીના કલાકોમાં જ 10 ઈંચથી વધુના વરસાદથી જૂનાગઢ જળબંબાકાર થઈ ગયું. જૂનાગઢમાં વરસાદી પાણીના કહેરની ભયાનક તસવીરો ભાગ્યે સામે આવી છે. ગણતરીના કલાકોમાં જ આકાશમાંથી એટલું પાણી વરસ્યું કે તબાહીને કોઈ ન અટકાવી શક્યું.

જૂનાગઢની દૂરવેશનગર સોસાયટીમાં પાણીનો વહેતો પ્રવાહ જોઈને ડરી જવાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પ્રચંડ અવાજ સાથે પાણીનો ધસમસતો પ્રવાહ જોતા લાગે કે બે કાંઠે કોઈ નદી પસાર થઈ રહી છે. સંખ્યાબંધ મકાનો વચ્ચેથી પાણીની ફૂલ સ્પીડ ખરેખર બિહામણી લાગી રહી હતી. ત્યારે સવાલ થાય કે કોના પાપે જૂનાગઢ પાણીમાં ડૂબ્યું ? સ્થાનિકોનો આરોપ છે કે વરસાદી પાણી વચ્ચે સર્જાયેલી આફત કુદરત કરતા માનવસર્જિત વધારે હતી.

જૂનાગઢના નરસિંહ મહેતા તળાવનો પાળો રિનોવેશનને કારણે બંધ કરી દેવાયો. ગિરનારથી આવતા પાણીનું કુદરતી વહેણ અવરોધાયું અને વરસાદી પાણી નજીકમાં આવેલી દૂરવેશનગર સોસાયટીના ઘરોમાં ફરી વળ્યું. પાણીના પ્રવાહમાં કાર, ઘરવખરી હોય કે પછી અનાજ સહિતનો સામાન. જે આવ્યું તે જાણે તણાઈ જાય તેવું લાગતું હતું. ઘરોમાં પાણી ઘૂસતા અનાજ પલળી ગયું. ફર્નિચર અને ઘરવખરીને મોટાપાયે નુકસાન પહોંચ્યું. આ સોસાયટીના કેટલાક રહીશોએ આક્ષેપ કર્યો કે વોકળા ઉપર મોટાપાયે દબાણ કરાયું છે.

સ્થાનીકોનું કહેવું છે કે આ મુદ્દે વારંવાર તંત્રનું ધ્યાન દોર્યું હોવા છતાં કોઈ કાર્યવાહી ન થઈ અને હવે અમારી જીવનભરની કમાણીને મોટુ નુકસાન પહોંચ્યું છે. આ નુકસાન માટે જૂનાગઢ મનપાના અધિકારીઓની ઢીલી નીતી જવાબદાર હોવાનો લોકોએ સીધો જ આક્ષેપ કર્યો.

આ પણ વાંચો  : જૂનાગઢમાં ભારે વરસાદના પગલે ઝાંઝરડા ચોકડી પર ભરાયા કેડસમા પાણી, જુઓ Video

જૂનાગઢની દૂરવેશનગર સોસાયટીમાં પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી. હવે જવાબદાર તળાવનો પાળો હોય કે વોકળા પરનું ગેરકાયદે બાંધકામઆ બંને કેસમાં ચોક્કસપણે મહાનગર પાલિકા તંત્રની બેજવાબદારી કારણભૂત હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા દૂરવેશનગર સોસાયટીમાં પહોંચતા જ લોકોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો. મનપા તંત્રની બેદરકારી મુદ્દે લોકોએ ભારોભાર રોષ ઠાલવ્યો અને ભવિષ્યમાં જનતાને નુકસાન ન થાય તેવા યોગ્ય પગલા લેવા પણ માગણી કરી.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video