સુરતના ફ્રુટ માર્કેટમાં કેરીની ગુણવતાને લઇ આરોગ્ય વિભાગના દરોડા, જુઓ Video

|

Apr 07, 2023 | 6:14 AM

કુદરતી રીતે પાકેલી કેરીનું વેચાણ કરવાને બદલે રાસાયણ દ્વારા કેરી પકવીને કેરી વેચનારા વેપારીઓ સામે સુરતના આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે.

ઉનાળાની શરૂઆત થઇ ગઈ છતાં આ વખતે માવઠાને કારણે કેરીના પાક ઉપર ખૂબ મોટી અસર થઈ છે. જેને લઇ કેરીનો પાક બજારમાં મોડો આવ્યો છે. પરંતુ હવે ધીરે ધીરે કેરી માર્કેટમાં આવવાની શરૂ થઈ ગઈ છે. આ દરમ્યાન કુદરતી રીતે કેરી પકવવાને બદલે હાનિકારક રસાયણ કે દવાઓ દ્વારા કેરી પકવીને વેચનારા લોકો સામે આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે. સુરતના જાણીતા મહાત્મા ફ્રુટ માર્કેટમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જે દરમિયાન અલગ અલગ કેરીના સ્ટોલ ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે.

કેરીની ગુણવતા અંગે આરોગ્ય વિભાગ સતર્ક

સુરતમાં ફળો માટે એમ.જી માર્કેટ ખૂબ જ જાણીતુ છે તમામ સિઝનના ફ્રુટ આ માર્કેટમાં મળતા હોય છે. હાલ જયારે કેરીની સીઝન આવતાની સાથે જ કેરીના રસિયાઓમાં રાજી થયા છે. જોકે ગ્રાહકોને, પાકેલી કેરી ખવડાવવા માટે વેપારીઓ દ્વારા રસાયણ દ્વારા કેરી પકવવામાં આવે છે. આવી રીતે પકવવામાં આવેલ કેરીની ગુણવતા સામે અનેક સવાલો ઉભા થતા હોય છે. જેની સામે આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્યને નુકસાન થાય તે રીતે કેરી પકવતા વેપારીઓ પર કાર્યવાહી હાથ ધરવા માટે સુરતના માર્કેટમાં હેલ્થ વિભાગે દરોડા પાડ્યા છે.

આરોગ્ય વિભાગની ટીમના દરોડા

મહાત્મા ફ્રુટ માર્કેટમાં આરોગ્ય વિભાગના ઓફિસર સહિત સમગ્ર મનપા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જે અતર્ગત કાર્બનથી કેરી પકવતા વેપારીઓ પર તવાઈ બોલાવાઈ છે. મહત્વનું છે કે, બજારમાં પાકી કેરીનું પહેલા વેચાણ કરી પૈસા કમાવાની લાલચે કેટલાક વેપારીઓ કેરીને પકવવા માટે રસાયણનો ઉપયોગ કરતા હોય છે. જેની તપાસ હાથ ધરાઈ હતી.

આ પણ વાંચો : રાજ્યમાં આગામી 5 દિવસ ફરી માવઠાની આગાહી, ખેડૂતોની માઠી દશા બેઠી

કાર્બાઇડ નું રસાયણ મનુષ્ય માટે જોખમી

દર વર્ષે જ્યારે કેરીનો પાક આવવાનો શરૂ થાય છે ત્યારે ઘણા ખરા ફ્રુટ ના વેપારીઓ કાચી કેરીને ઝડપથી પકવવા માટે કાર્બાઇડ નો ઉપયોગ કરતા હોય છે. આ કાર્બાઇડ નું જે રસાયણ છે તે માનવ શરીર માટે ખૂબ જ જોખમી હોય છે અને તેનાથી પકવાયેલી કેરી લોકોના આરોગ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોય છે જેને ધ્યાનમાં રાખીને જે પણ વેપારીઓ રસાયણ વડે વહેલી કાચી કેરી ને પકવીને માર્કેટમાં વધુ નફો કમાવાના પ્રયાસ કરતા હોય છે. તેમના ઉપર આરોગ્ય વિભાગ નજર રાખી રહ્યું છે. જો કોઈ આ રસાયણ વળી કેરીના નંગ મળી આવશે તો તેનો નાશ પણ કરવામાં આવશે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 1:05 pm, Thu, 6 April 23

Next Video