પ્રસુતિ વેળા માતા-બાળકના જોખમ ઘટાડવા ગુજરાતના 650 તબિબોએ યોજી કોન્ફરન્સ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સ્ત્રી રોગ નિષ્ણાંત તબીબોની કોન્ફરન્સ મળી છે. રાજ્યના 650 થી વધુ નિષ્ણાંત તબિબોએ જેમાં હિસ્સો લિધો છે. આ તબિબોને આંતરરાષ્ટ્રિય સ્તરના ખ્યાતનામ નિષ્ણાંત તબિબો આધુનિક ટેક્નોલોજી અને તેનો સારવારમાં ઉપયોગ માટે માર્ગદર્શન પુરુ પાડવામાં આવી રહ્યું છે. ત્રણ દિવસ ચાલનારી કોન્ફરન્સમાં આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલ નવી શોધો અંગે પણ માર્ગદર્શન અપાશે.
ગુજરાતમાં પ્રસુતિ વેળા માતા અને બાળકના મૃત્યુની સ્થિતિ ઘટાડવા અને સલામત પ્રસુતિ માટે ભાર મુકવામાં આવી રહ્યો છે. જેને લઈ રાજ્યના સ્ત્રી રોગ નિષ્ણાંત તબિબો દ્વારા હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે ત્રણ દિવસની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રસુતિ અને સ્ત્રી રોગ સંદર્ભે આધુનિક સારવાનું માર્ગદર્શન પુરુ પાડવામાં આવી રહ્યુ છે. જેનો ધ્યેય માતા અને સંતાનની સલામતી છે.
આ માટે આધુનિક પ્રકારની સર્જરી અને સારવાર સહિતનું માર્ગદર્શન તબિબોને આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત વ્યંધત્વ નિવારણ અને સ્ત્રીઓને લગતા રોગોની સારવારનું પણ નિષ્ણાંતો સલાહ આપશે. એમ કોન્ફરન્સના ચેરપર્સન ડો. મહેન્દ્ર સોની અને ડો દિનેશ પટેલે જણાવ્યું હતું. આ કોન્ફરન્સ ત્રણ દિવસ ચાલનાર છે.